ઈરાનનો દાવો: હવાઈ હુમલામાં 80 અમેરિકી સૈનિકોનાં મોત

ઇરાકમાં અમેરિકી સૈન્ય મથકો પરના હુમલામાં 80 સૈનિકોનાં મોત નીપજ્યાં છે. આ દાવો ઈરાની મીડિયા દ્વારા કરવામાં આવ્યો છે. ઇરાની લશ્કરી કમાન્ડર કાસીમ સુલેમાનીની હત્યા પછી મંગળવારે મોડીરાત્રે ઇરાને ઇરાકમાં અમેરિકી સૈન્ય મથકો પર ડઝન જેટલા બેલેસ્ટિક મિસાઇલોથી હુમલો કરવામાં આવ્યો હતો. પેન્ટાગોન હાલમાં નુકસાનનું મૂલ્યાંકન કરી રહ્યું છે. દરમિયાન ઈરાની મીડિયાએ દાવો કર્યો છે કે ઈરાની મિસાઇલ હુમલામાં 80 અમેરિકન સૈનિકો માર્યા ગયા છે.

ન્યૂઝ એજન્સી ઈસ્ના અનુસાર આજે સવારે ઇરાની રિવોલ્યુશનરી ગાર્ડ દ્વારા આતંકવાદી અડ્ડા અને આક્રમક યુએસ ફોર્સ ‘એન અલ અસદ’ પર ‘ઓહ જાહરા’ કોડ સાથે મિસાઇલનો મારો કરવામાં આવ્યો હતો. ઓપરેશન શહીદ સુલેમાનીને સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. એબીસી ન્યૂઝના રિપોર્ટ મુજબ હુમલા અંગે અમેરિકી અધિકારીએ પુષ્ટિ આપી છે કે ઇરાકમાં ઉત્તરી ઇરાકમાં અર્બિલ અને પશ્ચિમ ઇરાકમાં અલ અસદ એર બેઝ સહિત અમેરિકી સૈન્યના મથકો ઉપર ઈરાન તરફથી ‘બેલિસ્ટિક મિસાઇલો’  ફાયર કરવામાં આવી હતી.

જાણવા મળી રહેલા રિપોર્ટ મુજબ ઈરાન રિવોલ્યુશનરી ગાર્ડ્સ દ્વારા અમેરિકાના એરબેઝ પરના હુમલાને ‘શહીદ સુલેમાની’ ઓપરેશન નામ આપવામાં આવ્યું હતું અને અનેક મિસાઇલો છોડવામાં આવી હતી. આ ઘટના પછી ઈરાની એટમી પ્લાન્ટની સુરક્ષા વધારી દેવામાં આવી છે, કારણ કે તેના પર યુએસ હુમલો થવાની સંભાવના છે.

ન્યૂઝ એજન્સી ઇસ્નાને ઈરાની અધિકારીએ જણાવ્યું હતું કે ઈરાનની આજુબાજુ અમેરિકી સૈન્યના બેઝ બનાવી આપનારા દેશો પર પણ હુમલાનો ખતરો ઉભો થયો છે. આ દેશોએ અમેરિકાને એર બેઝની સુવિધા કરી આપી છે અને અહીંથી અમેરિકા ઈરાન પર હુમલા કરી રહ્યું છે. ઈરાને અમેરિકાને સાથ આપનારા દેશોને ચેતવણી આપી છે કે અમેરિકાને સાથ આપનારા દેશોએ પણ પરિણામો ભોગવવા પડશે. આ ચેતવણી બાદ કેનેડાએ પોતાના સૈનિકોને ઈરાકથી કૂવૈત મોકલવા પર વિચાર કર્યો છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઈરાનની રાજધાની તેહરાનમાં ઇમામ ખૌમેની આંતરરાષ્ટ્રીય હવાઇમથક નજીક પેસેન્જર પ્લેન ક્રેશ થયું છે. આ વિમાન યુક્રેનનું હતું અને તેમાં સવાર તમામ 170 મુસાફરો માર્યા ગયા હતા. ઈરાનની રેડ ક્રેસન્ટ વતી કહેવામાં આવ્યું છે કે યુક્રેનિયન પેસેન્જર વિમાનમાં સવાર તમામ 170 લોકો તેહરાનથી ઉપડ્યા બાદ બુધવારે ક્રેશ થઈ ગયા હતા.