આ બેન્કના 15000 કર્મચારીઓ છોડી દીધી નોકરી, આ હતું કારણ

છેલ્લા કેટલાક મહિનામાં ખાનગી ક્ષેત્રની એક્સિસ બેંકના 15 હજાર કર્મચારીઓએ નોકરી છોડી દીધી છે. આ દાવો ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલમાં કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર બેંકના મેનેજમેન્ટમાં ફેરફાર થવાને કારણે કર્મચારીઓને કામ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. આ જ કારણ છે કે મીડિયમ અને બ્રાન્ચીસમાં કામ કરતા બેંક કર્મચારીઓએ નોકરીમાંથી રાજીનામું આપી દીધું છે. આ તે કર્મચારીઓ છે જેનો ગ્રાહકો સાથે સીધો સંપર્ક છે.

ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ મુજબ એક્સિસ બેંકના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે સિનિયર કર્મચારીઓ નોકરી છોડી રહ્યા છે કારણ કે તેમને પરિવર્તન સમજવામાં મુશ્કેલી આવી રહી છે. આ ઉપરાંત કર્મચારીઓ પોતાને નવા વાતાવરણને અનુરૂપ થઈ રહ્યા નથી.

જોકે, બેંક દ્વારા નવા લોકોને ભરતી કરવા માટે ભાર મૂકવામાં આવી રહ્યો છે. જો વર્તમાન નાણાકીય વર્ષની વાત કરીએ તો એક્સિસ બેન્કે કુલ 28 હજાર લોકોને નોકરી પર લીધા છે. આ સાથે બેંકે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં 4 હજાર કર્મચારીઓને નોકરી આપવાની યોજના બનાવી છે. જ્યારે આગામી બે વર્ષમાં 30 હજાર નવા લોકોને ઉમેરવાનો હેતુ છે. હાલમાં બેંકમાં લગભગ 72 હજાર કર્મચારી છે.

ગત વર્ષે એક્સિસ બેંકના મેનેજમેન્ટમાં ફેરફાર થયો હતો. હકીકતમાં પહેલી જાન્યુઆરી 2019 ના રોજ એક્સિસ બેંકે અમિતાભ ચૌધરીની નવા સીઈઓ અને એમડી તરીકે નિમણૂક કરી હતી. તેમનો કાર્યકાળ ત્રણ વર્ષનો છે. અમિતાભ ચૌધરી પહેલા શિખા શર્મા આ પદ પર હતા. તેમનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2018ના રોજ સમાપ્ત થયો. બેંક ખૂબ જ ઝડપથી ઓટોમેશન અને આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ અપનાવી રહી છે.

તમને જણાવી દઈએ કે એક્સિસ બેન્કે ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં નુકસાનનો સામનો કરવો પડ્યો છે. ગયા ઓક્ટોબરમાં જાહેર થયેલા પરિણામો મુજબ એક્સિસ બેન્કની ચોખ્ખી ખોટ 112.08 કરોડ રૂપિયા રહી હતી. એક વર્ષ અગાઉ સમાન ક્વાર્ટરમાં ખાનગી ક્ષેત્રની આ બેંકે 78 789.61 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો.