ટ્રમ્પના માથા માટે 5.76 અબજ ડોલરના ઈનામની જાહેરાત

અમેરિકાના હુમલામાં ઈરાનના કમાન્ડર જનરલ કાસીમ સુલેમાનીની હત્યા બાદ ઈરાન અમેરિકા પર રોષે ભરાયું છે. જનરલ સુલેમાનીના અંતિમ સંસ્કાર વખતે ઈરાને ડોનાલ્ડ ટ્રમ્પના માથા માટે 80 મિલિયન ડોલર (લગભગ 5.76 અબજ રૃપિયા) નું ઈનામ જાહેર કર્યુ છે. આ માટે ઈરાનના સ્થાનિક નાગરિકો પાસે એક એક ડોલરનું દાન કરવાની અપીલ પણ કરવામાં આવી છે.

ઈરાનની સંસ્થાએ ઈરાનના તમામ નાગરિકોને એક ડોલર દાન કરવાની અપીલ કરી છે કે, ટ્રમ્પના માથાના બદલામાં રાખવામાં આવેલા 80 મિલિયન ડોલરની રકમને એકઠી કરવા માટે દરેક નાગરિક દાન આપશે જેથી બદલો લેવા માટે આ રકમનો ઉપયોગ કરી શકાય.

જનરલ કાસીમ સુલેમાનીનો મૃતદેહ રવિવારે ઈરાનની રાજધાની તહેરાન પહોંચ્યો જ્યાં સુલેમાનીની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. જેની શરૂઆત અહવાજથી કરાઈ હતી. અહવાજમાં હજરો લોકો સુલેમાનીના સન્માનમાં ભેગા થયા હતાં અને અમેરિકા-ઈઝરાયલ તથા સાઉદી અરબ વિરૃદ્ધ નારા લગાવ્યા હતાં.

અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ ટવિટર પર સતત ઈરાન વિરૃદ્ધ પોસ્ટ કરી રહ્યાં છે. માથા પર ઈનામની જાહેરાત બાદ ટ્રમ્પે પણ ટવિટ કરીને કહ્યું કે, ‘ઈરાન અમેરિકાને નુકસાન પહોંચાડશે તો તેને તાત્કાલિક અને ખતરનાક અંદાજમાં જવાબ આપવામાં આવશે. આવી નોટીસની આમ તો કોઈ જરૂર ન હોય, પણ તેમ છતાં મેં ચેતવી દીધું છે. ટ્રમ્પે ચેંતવણી આપતા કહ્યું કે ઈરાનના ધાર્મિક સ્થળો અમેરિકાના ટારગેટ પર છે.