મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક આવી રહ્યો છે: રાજ ઠાકરે સાથે PM મોદીના લાગ્યા પોસ્ટર, જાણો વધુ

મહારાષ્ટ્રના રાજકારણમાં ક્યારે શું થશે એ કળવું મુશ્કેલ છે. સસ્પેન્સ થ્રીલર ફિલ્મની જેમ પળે પળ અને દિવસે દિવસે મહારાષ્ટ્રનું રાજકારણ બદલાઈ જાય છે. લોકસભાની ચૂંટણીથી આજદિન સુધી મોદી સરકારની આકરી ટીકા કરનારા અને કોંગ્રેસ માટે પ્રચાર કરનારા મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે અને પીએમ મોદીના પોસ્ટર લાગતા મહારાષ્ટ્રમાં નવી તડજોડ અને ગઠબંધનની અટકળોએ જોર પકડ્યું છે.

મહારાષ્ટ્રના પાલઘરમાં સાતમી જાન્યુઆરીએ જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં પીએમ મોદી અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે રાજ ઠાકરેના પોસ્ટર લગાવવામાં આવ્યા છે.

આ અંગે પાલઘરના મનસેના પ્રમુક અવિનાશ જાદવે કહ્યું કે રાજ ઠાકરે અને મોદી એક સાથે હોવાના પોસ્ટર ભાજપના કાર્યકરોએ લગાવ્યા છે. મનસે દ્વારા આ પોસ્ટર લગાવવામાં આવ્યા નથી.

એવું માનવામાં આવે છે કે પાલઘર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપ અને મનસે હાથ મેળવશે. હવે ભાજપ સાથે શિવસેના નથી તો આવી સ્થિતિમાં રાજ ઠાકરેને સાથે લાવવા માટે પોસ્ટર દ્વારા શરૂઆત કરવામાં આવી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. કોંગ્રેસ, શિવસેના અને એનસીપી સામે બાથ ભીડવા માટે મહારાષ્ટ્રમાં ભાજપને રાજ ઠાકરેની જરૂર પડી શકે છે.