બોલીંગ તરખાટ: રન આપ્યા વિના લીધી સાત વિકેટ, પાંચને કર્યા ઝીરો પર આઉટ, જાણો કોણ છે આ યુવા બોલર?

રણજી ટ્રોફીની ચાલુ સીઝનનાં પ્લેટ ગ્રુપની મેચમાં બિહારે મિઝોરમને 6 વિકેટથી હરાવ્યું. મિઝોરમે પ્રથમ ઇનિંગ્સમાં 378 રન બનાવ્યા હતા, જ્યારે બીજી ઇનિંગ્સ માત્ર 68 રન બનાવીને  તંબૂ ભેગી થઈ ગઈ હતી. બિહારના આક્રમક યુવા બોલર અભિજિત સાકેત બિહારની જીતનો હીરો હતો. બીજી ઇનિંગમાં સાકેતે 10 ઓવરમાં 12 રન આપીને 7 બેટ્સમેનને આઉટ કરી પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો આના કારણે મિઝોરમની બેટિંગ લાઈન કડડભૂસ થઈ ગઈ હતી.

રસપ્રદ વાત તો એ છે કે તમામ 7 વિકેટ પેસ બોલર સાકેતે કોઈ પણ રન આપ્યા વિના ઝડપી હતી. સાકેતના બોલિંગ તરખાટનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેણે 6 ઓવરમાં કોઈ રન આપ્યો ન હતો, જ્યારે પાંચ બેટ્સમેનોને આઉટ કર્યા હતા. તેમાં 5 બેટ્સમેન એવાં હતા જેઓ ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. તેની શરૂઆત ઓપનર સી.લાલરીંસાંગાથી થઈ અને જી.લાલ્બિઆક્વેલા પર આવીને પુરી થઈ હતી.

નોંધનીય છે કે સાકેતની ત્રીજી ફર્સ્ટ ક્લાસ મેચ હતી. 25 વર્ષીય બોલરે 2018માં મિઝોરમ સામે ડેબ્યૂ કર્યું હતું અને ત્રણ વિકેટ લીધી હતી. સાકેત સિવાય આશુતોષ અમને બે અને એસએસ કુમારે એક વિકેટ ઝડપી હતી. જ્યારે મિઝોરમ માટે સૌથી વધુ રન કેપ્ટન પવને 98 બોલમાં 7 ચોગ્ગાની મદદથી 46 રન બનાવ્યા હતા. તેના સિવાય કોઈ પણ બેટ્સમેન દસ ડીજીટ સુધી પહોંચી શક્યો ન હતો.

આ પછી  બિહારે 32.4 ઓવરમાં 4 વિકેટે 188 રન બનાવ્યા અને 6 વિકેટે જીત મેળવી. બિહાર વતી ઓપનર ઈન્દ્રજીત કુમારે 93 બોલમાં 15 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 98 રન બનાવ્યા, જ્યારે બાબુકલ કુમારે 61 રન બનાવ્યા હતા.