રાજકોટમાં જીમ જવાના બહાને પત્ની કરતી હતી આ કામ, પતિ બોલ્યો હવે સાથે નહીં રાખું

રાજકોટમાં એક મહિલાને જુગાર રમવાની એવી લત લાગી હતી કે તેમાં તે 12 લાખ રૂપિયા હારી ગઇ, તેણે એ રકમની ભરપાઇ કરવા માટે ફાઇનાન્સ કંપનીમાં ઘરેણા ગીરવે મુકીને લોન લીધી હતી. તેના પતિ અને સાસરિયાઓને આ વાતની ત્યારે ખબર પડી જ્યારે એક અન્ય મહિલા તેમના ઘરે 11 લાખ રૂપિયાની ઉઘરાણી કરવા પહોંચી હતી.

મહિલાના પતિ અંકિત ભીમાણીએ પોતાની પત્ની એકતા વિરુદ્ધ રાજકોટના ભક્તિનગરમાં ફરિયાદ નોંધાવી છે. પતિએ આરોપ મુક્યો છે કે તેની પત્ની જીમ જવાના બહાને ઘરેથી નીકળતી હતી અને બપોરે 1.30 વાગ્યે પાછી ફરતી હતી. આ સમય દરમિયાન તે ખરેખર જીમ જવાને બદલે કોઇ ક્લબમાં જુગાર રમતી હતી.

અંકિતે કહ્યું હતું કે શારદીય નવરાત્રિના 8માં દિવસે એકતા ઘરે કોઇને કંઇ કહ્યા વગર તેના પિયર ચાલી ગઇ હતી. નોમના દિવસે ઘરે એક મહિલા આવી, જેણે માહિતી આપી હતી કે એકતા જુગારમાં 11 લાખ રૂપિયા હારી ગઇ છે અને તે એ રૂપિયાની ઉઘરાણું કરવા આવી છે. અમે એ મહિલાને કહ્યું હતું કે અમને એ વાતની કોઇ ખબર નથી અને એકતા તો તેના પિયર ચાલી ગઇ છે, તો ત્યાં જઇને ઉઘરાણી કર.

એકતાની જુગારની લત બાબતે માહિતી મળ્યા પછી અંકિતની માતા રંજન બહેને તિજોરી ખોલીને જોયું તો સોનાનો હાર, વીટી સહિત 5.60 લાખ રૂપિયાની કિંમતના 11 ઘરેણા ગૂમ હતા. એકતાને ફોન કરીને પુછાતા તેણે જુગારમાં હારેલી રકમની ચુકવણી માટે એ ઘરેણા ચોર્યા હોવાનું કબુલ્યું હતું. અંકિતનું કહેવું છે કે અમને તેના પર કોઇ શંકા નહોતી, પણ તેણે અમારી સાથે વિશ્વાસઘાત કર્યો છે અને હવે હું તેને મારી સાથે રાખવા માગતો નથી.