CAA વિરુદ્વ પ્રદર્શનકારીઓને ભાજપના ધારાસભ્યની ચીમકી, તમે માત્ર 15 ટકા અને અમે 80 ટકા,રસ્તા પર ઉતરીશું તો શું થશે?

કર્ણાટકમાં ભાજપના ધારાસભ્યએ નાગરિક્તા કાયદા (CAA)નો વિરોધ કરી રહેલા લોકોને ચેતવણી આપી ધમકીસભર ભાષામાં વાત કરી છે. તેમણે વિરોધ પ્રદર્શનકારીઓને ચેતવણી આપતા કહ્યું કે બહુમતિ સમાજ જો વિરોધમાં પ્રદર્શન કરી રહેલા લોકોની સામે રસ્તા પર આવી જશે તો શું થશે?

શુક્રવારના ઉત્તર કર્ણાટકના બલ્લારીમાં ભાજપના ધારાસભ્ય સોમાશેખર રેડ્ડીએ રેલીને સંબોધન કર્યું હતું અને આડકતરી રીતે મુસ્લિમ સમાજની તરફ ઈશારો કરીને કહ્યું કે સાવધાન રહેજો કારણ કે અમારી વસ્તી 80 ટકા છે અને જ્યારે તમે માત્ર 15 ટકા. તમે અલ્પસંખ્યક છો અને હું ચાહું છું કે તમે વિચાર કરો જો તમારી વિરુદ્વ બહુમત લોકો રસ્તા પર ઉતરી આવશે તો શું થશે?

ભાજપના નેતા રેડ્ડીએ દાવો પણ કર્યો કે દક્ષિણ બેંગ્લુરુના સાંસદ તેજસ્વી સૂર્યા સાચા હતા. તેમણે આ કાયદાનો વિરોધ કરનારા પંચરવાળા અને અશિક્ષિત લોકો છે. તેમને જે કંઈ પણ કહેવામાં આવે છે તેઓ કરે છે. કોંગ્રેસ લોકોના મગજને પ્રદૂષિત કરી રહી છે.

બલ્લારીના ધારાસભ્યે કહ્યું કે કર્ણાટકમાં જે પ્રદર્શનકારો જાહેર સંપત્તિને નુકશાન પહોંચાડી રહ્યા છે તેમને ઉત્તરપ્રદેશ જેવો પાઠ શિખવવામાં આવશે. ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતાં રેડ્ડીએ કહ્યું કે આપણે ભારતીય છે અને અમે તમને એવું જ શિખવીશું તે રીતે યુપીમાં જાહેર સંપત્તિને નુકશાન કરનારા લોકો સાથે કરવામાં આવ્યું છે. સીએએનો વિરોધ કરનારાઓને ગોળી મારી દેવામાં આવે તો સારું છે. પણ જો તમે ઈજા પામ્યા છો હિન્દુ ડોક્ટર પાસે આવો, તમારો ઈલાજ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, કર્ણાટકના કેટલાક ભાગોમાં પાછલા એક મહિનાના નાગરિક કાયદાનો વિરોધમાં પ્રદર્શન ચાલી રહ્યા છે. પોલીસ ફાયરીંગમાં 19મી ડિસેમ્બરે બે લોકોના મોત થયા છે.