રણજી ટ્રોફી : આઉટ થતાં જ શુભમન ગીલ ગાળ બોલ્યો અને અમ્પાયરે નિર્ણય ફેરવી તોળ્યો

મોહાલીના આઇએસ બિન્દ્રા સ્ટેડિયમમાં રમાતી દિલ્હી વિરુદ્ધ પંજાબ વચ્ચેની રણજી ટ્રોફી મેચમાં એ સમયે વિવાદ ઊભો થયો હતો જ્યારે પંજાબના બેટ્સમેન શુભમન ગીલે આઉટ થયા પછી અમ્પાયરને ગાળ આપી હતી, એટલું જ નહીં શુભમનના આ વ્યવહારને પગલે અમ્પાયરે પણ પોતાનો નિર્ણય ફેરવી તોળ્યો હતો, જેને કારણે દિલ્હીની ટીમ નારાજ થઇ હતી.

અહેવાલ અનુસાર શુભમન અમ્પાયરના નિર્ણયથી ખુશ નહોતો અને તેણે ક્રિઝ છોડી નહોતી. પત્રકારે નીતિશ રાણાના હવાલાથી લખ્યું હતું કે શુભમને તે પછી આ મેચથી પદાર્પણ કરનારા અમ્પાયર પશ્ચિમ પાઠકની પાસે ગયો અને તેને ગાળ આપી હતી તે પછી અમ્પાયરે પોતાનો નિર્ણય ફેરવી તોળ્યો હતો, અમ્પાયરે નિર્ણય ફેરવ્યો તે દિલ્હીની ટીમને ગમ્યો નહોતો અને તેમણે મેદાન બહાર જવાનો નિર્ણય કર્યો હતો. તેના કારણે મેચ અટકી રહી હતી. મેચ રેફરીએ તેમાં દરમિયાનગીરી કરી હતી અને થોડી વાર પછી મેચ ફરી શરૂ થઇ હતી. 20 વર્ષિય યુવા બેટ્સમેન શુભમને આખરે પેવેલિયન પરત ફરવું પડ્યું. તેણે 41 બોલમાં 23 રન બનાવ્યા હતા.