ઋષભ પંતે ગર્લફ્રેન્ડ ઇશા સાથે બરફ આચ્છાદિત પ્રદેશમાં નવા વર્ષની ઉજવણી કરી

ક્રિસમસ અને નવા વર્ષે ભારતીય ક્રિકેટર્સે પોતાના પાર્ટનર્સની સાથે ક્વોલિટી ટાઇમ ગાળ્યો હતો. ટીમ ઇન્ડિયાનું વ્યસ્ત સત્ર શરૂ થવાનું છે ત્યારે તે પહેલા મળેલા વેકેશનથી ખેલાડીઓને રાહત મળી હશે, હાલમાં જ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પોતાની ગર્લફ્રેન્ડ અને સર્બિયન અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક સાથે નવા વર્ષે સગાઇ કરી લીધી હતી. ભારતીય ટીમના ઓપનર કેએલ રાહુલના પણ આથિયા શેટ્ટી સાથેના સંબંધો જાહેર થઇ ચુક્યા છે. ત્યારે હવે વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે પણ બરફ આચ્છાદિત પ્રદેશમાં પોતાની ગર્લફ્રેન્ડ ઇશા નેગી સાથે સમય ગાળ્યો હતો.

પતે પોતાની ગર્લફ્રેન્ડ ઇશા સાથેનો એક ફોટો શુક્રવારે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો. તેણે આ ફોટો પોસ્ટ કરવાની સાથે લખ્યું હતું કે જ્યારે તું મારી સાથે હોય છે તો હું મારી જાતને બહેતર માનવા લાગું છું. તેણે શેર કરેલા આ ફોટોને ઇશાએ પણ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે અને તેમાં તેણે કેપ્શન લખી છે કે પાંચ વર્ષ અને આગળ પણ…