ગુજરાતમાં આગામી 10 દિવસમાં ઠંડી તોડશે તમામ રેકોર્ડ, જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી?

ડિસેમ્બર મહિનો ગુજરાતને ઠુંઠવી નાંખનારું બન્યું હતું અને 2020ની શરૂઆત પણ કાતીલ ઠંડી સાથે શરૂ થઈ છે. આજે બીજા દિવસે પણ ગુજરાતના અનેક સ્થળો પર પારો સિંગલ ડિજીટ પર પહોંચી ગયો છે ત્યારે હવામાન ખાતાએ 10મી તારીખ સુધી ગુજરાતના હવામાન માટે મોટી આગાહી કરી છે.

હવામાન વિભાગે રાજ્યમાં ઠંડીને લઈ આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યમાં સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું હોવાથી ગુજરાતમાં 3 થી 4 તારીખ સુધી ઠંડીના પ્રમાણમાં વધારો થશે. પાંચ દિવસ સુધી કોલ્ડવેવની શક્યતા નહીંવત છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, અમદાવાદ, વડોદરા, સુરત, કચ્છ, નલિયા, કંડલામાં સૌથી વધુ ઠંડી પડશે. આગામી 24 કલાક સુધી ઠંડીનું પ્રમાણ સામાન્ય રહેશે. 4 અને 5 જાન્યુઆરીએ લઘુત્તમ તાપમાન ઘટશે, જેના કારણે ઠંડીના પ્રમાણમાં વધારો થશે.

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાનાં કારણે ગુજરાતમાં આગામી 10 દિવસ અતિભારે ઠંડી અને પવનો ફૂંકાશે.