દિલ્હીમાં આગ લાગ્યા પછી બિલ્ડીંગ વિસ્ફોટ સાથે ઘરાશાયી : 13 ફાયરબ્રિગેડ કર્મી સહિત 14 ઘાયલ

દિલ્હીના પીરાગઢી વિસ્તારમાં ગુરૂવારની સવારે એક ફેક્ટરીમાં આગ લાગી હતી અને તે પછી જોરદાર વિસ્ફોટ સાથે બિલ્ડીંગનો કેટલોક હિસ્સો ધરાશાયી થઇ હતી. તેના કારણે ફેક્ટરીમાં હાજર લોકો સહિત ઘણા ફાયર બ્રિગેડ કર્મીઓ પણ ફસાઇ ગયા હતા. મળસ્કે આગ લાગી હોવાની માહિતી મળતા ફાયરબ્રિગેડ કર્મચારીઓ ત્યાં પહોંચી ગયા હતા. તેમની કામગીરી ચાલુ હતી ત્યારે અચાનક જોરદાર વિસ્ફોટ થયો હતો અને બિલ્ડીંગ તૂટી પડી હતી. આ ઘટનામાં 13 ફાયર કર્મીઓ સહિત 14 ઘાયલ થયા હતા. હજુ એક વ્યક્તિ અંદર ફસાયેલી છે. આગ પર કાબુ મેળવી લેવાયો છે અને હાલ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું હતું.

બચાવ કામગીરીમાં 35 ફાયરબ્રિગેડ કર્મચારીઓ જોતરાયેલા હતા, હાલમાં બચાવ કામગીરી ચાલી રહી છે. ફાયરબ્રિગેડના એક અધિકારીએ જાણાવ્યા અનુસાર અત્યાર સુધી 3 વ્યક્તિને સુરક્ષીત બહાર કાઢવામાં આવ્યા છે. ફેક્ટરીનો લગભગ 75 ટકા ભાગ ધ્વસ્ત થઇ ચુક્યો છે. ફાયરબ્રિગેડના 50 ટેન્કર ઘટનાસ્થળે હાજર છે.

વહેલી સવારે 4.23 વાગ્યે ફાયરબ્રિગેડને આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. આગ લાગ્યા પછી આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી હતી. એવું જાણવા મળ્યું છે કે જે બિલ્ડીંગમાં આગ લાગી છે ત્યાં બેટરી બનાવવાનું કામ ચાલે છે. આગના કારણે જાનહાની કે અન્ય નુકસાન અંગે હજુ કોઇ માહિતી મળી નથી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટિ્વટ કરીને કહ્યું હતું કે તે આ સમાચાર જાણીને ઘણાં દુખી થયા છે. તેમણે સાથે જ લખ્યું હતું કે હું સ્થિતિ પર નજર રાખી રહ્યો છું. ફાયરબ્રિગેડ કર્મીઓ પૂરો પ્રયાસ કરી રહ્યા છે. કાટમાળમાં ફસાયેલા લોકોની સુરક્ષા માટે પ્રાર્થના કરું છું.