તિહારમાં ફાંસીના 3 નવા માંચડા તૈયાર : નિર્ભયા કેસના ચારેય આરોપીને એકસાથે ફાંસી આપવાની તૈયારી

તિહાર જેલમાં હવે એકસાથે 4 આરોપીને ફાંસીએ લટકાવી શકાશે, અત્યાર સુધી તિહારમાં ફાંસીનો માત્ર એક જ માંચડો હતો પણ હવે તેમાં વધુ 3નો ઉમેરો કરીને ચાર ફાંસીના માંચડા બનાવી લેવાયા છે. પીડબલ્યુડી દ્વારા સોમવારે જ આ કાર્યવાહી પૂરી કરી દેવામાં આવી હતી. ફાંસીના ત્રણ નવા હેન્ગર પણ એ જ જેલ નંબર 3માં તૈયાર કરવામાં આવ્યા છે, જ્યાં પહેલાથી એક હેન્ગર તૈયાર હતું. હવે તિહાર દેશની એવી પહેલી જેલ બની છે જ્યાં એક સાથે ચારને ફાંસીએ લટકાવી શકાય તેવી વ્યવસ્થા છે.

તિહાર જેલના સૂત્રોએ માહિતી આપી હતી કે આ કામને પુર્ણ કરવા માટે જેલમાં જેસીબી મશીન પણ લવાયું હતું, કારણકે 3 નવા માંચડા તૈયાર કરવા માટે નીચે એક ટનલ પણ બનાવવી જરૂરી હતી. આ ટનલના માધ્યમથી જ ફાંસીએ લટકાવાયેલા આરોપીને બહાર કાઢવામાં આવે છે. સૂત્રોએ કહ્યું હતું કે ફાંસીના આ ત્રણ નવા માંચડા ખરેખર તો નિર્ભયા રેપ કેસના ચાર આરોપીને એકસાથે ફાંસીએ લટકાવવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. આ ચારેયના કેસનો સ્ટેટસ રિપોર્ટ જેલ તંત્ર કોર્ટ ખુલશે ત્યારે આપશે, કોર્ટ 6 જાન્યુઆરીએ ખુલી રહી છે. તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા પછી જ તેમની ફાંસી પર અંતિમ નિર્ણય લેવાશે.