કાંડાના કિમિયાગર રાશિદ ખાનની બેટ વડે ધમાલ : 18 બોલમાં 40 રન ફટકાર્યા

અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાને ઓસ્ટ્રેલિયામાં બિગ બેશ લિગમાં બોલ વડે નહીં પણ બેટ વડે ધમાલ મચાવી હતી, હંમેશા પોતાની ગુગલી બોલિંગથી બેટ્સમેનને પરેશાન કરનારા રાશિદે અહીં રમાયેલી એક મેચમાં એડિલેડ સ્ટ્રાઇકર્સ વતી રમતાં બેટ વડે ધમાકેદાર પ્રદર્શન કરીને 18 બોલમાં 40 રન ફટકારી દીધા હતા, જો કે રાશિદના આ પ્રદર્શન છતાં તેની ટીમ સિડની થંડર સામેની એ મેચ 3 રને હારી ગઇ હતી.

સિડની થંડર સામેની મેચમાં 169 રનના લક્ષ્યાંક સામે એડિલેડ સ્ટ્રાઇકર સતત વિકેટ ગુમાવતા રહેવાને કારણે મુશ્કેલીમાં હતું ત્યારે 16મી ઓવરમાં બેટિંગ કરવા ઉતરેલા રાશિદે 3 છગ્ગાની મદદથી 18 બોલમાં 40 રન ફટકારીને પોતાની ટીમને લક્ષ્યની નજીક પહોંચાડી દીધી હતી. અંતિમ ઓવરમાં એડિલેડની ટીમને 6 બોલમાં 14 રન જોઇતા હતા ત્યારે ત્રીજા અને ચોથા બોલે તેણે બે ચોગ્ગા ફટકારી દીધા હતા. જો કે તે પાંચમા બોલે આઉટ થઇ ગયો અને તે પછી તેની ટીમ એ મેચ 3 રને હારી ગઇ હતી.