હાર માને એ બીજા: 2020માં ભારત ચંદ્ર પર સોફ્ટ લેન્ડીંગ કરીને જ જંપશે, સત્તાવાર જાહેરાત

ચંદ્રયાન-2નું ચંદ્ર પર સફળ સોફ્ટ લેન્ડીંગ નહીં થયા બાદ ભારત ફરી એક વાર 2020માં ચંદ્રયાન-3 મારફત ચંદ્ર પર સોફ્ટ લેન્ડીંગ કરવા માટે મિશન શરૂ કરવા જઈ રહ્યું છે. મંગળવારે સ્પેસ ડિપાર્ટમેન્ટના રાજ્યકક્ષાના મંત્રી જીતેન્દ્રસિંહે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે 2020માં ચંદ્રયાન-3ને લોન્ચ કરવામાં આવશે.

તેમણે જણાવ્યું કે ચંદ્રયાન-2 મિશન નિષ્ફળ રહ્યું છે એવું કહી શકાય નહીં. કારણ કે ચંદ્રયાન-2ના ઓર્બિટર મારફત અનેક મહત્વપૂર્ણ જાણકારી મળી રહી છે અને ઘણી વસ્તુઓ શીખવાની મળી છે. અમેરિકાએ અનેક વાર પ્રયાસો કર્યા હતા ચંદ્ર પણ ઉતરાણ કરવાના અને ત્યાર બાદ સફળ રહ્યું હતું. પરંતુ ભારતને આટલા બધા પ્રયત્નોની જરૂર પડશે નહીં. ચંદ્રયાન-3 મિશનને સફળ બનાવશે.

ચંદ્રયાન -2 મિશન એ ભારતનો આકાશી પરિધી પર ઉતરવાનો પ્રથમ પ્રયાસ હતો. દેશનું ચંદ્ર પરનું બીજું મિશન તેની સફરના છેલ્લા 2.1 કિલોમીટરમાં ડચકા ખાઈ ગયું હતું જ્યારે તેનું લેન્ડર વિક્રમ 7 સપ્ટેમ્બરના રોજ નક્કી કરેલી લેન્ડીંગ સાઇટથી માત્ર 500 મીટર દૂર સંપર્ક વિહોણું થઈ ગયું હતું. સંસદમાં જીતેન્દ્રસિંહ હાર્ડ લેન્ડીંગની વાતને સમર્થન આપ્યું હતું.