ઉદ્ધવની કેબિનેટમાં સ્થાન ન મળતા ઘણાં કોંગ્રેસી ઘારાસભ્યો નારાજ : એનસીપીના ધારાસભ્યનું રાજીનામુ

ઉદ્ધવ ઠાકરેની કેબિનેટમાં સ્થાન ન મળતા ગઠબંધનમાં જોડાયેલા પક્ષોના નેતાઓની નારાજગી સામે આવવા માંડી છે. કેબિનેટમાં સ્થાન ન મળતાં એકતરફ એનસીપીના એક ધારાસભ્ય પ્રકાશ સોલંકેએ સોમવારે રાત્રે જ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપવાની જાહેરાત કરી દીધી હતી. મંજલગાવ સીટ પરથી ચાર વારથી ધારાસભ્ય એવા સોંલકેએ એવું કહ્યું હતું કે હવે હું રાજકારણ માટે યોગ્ય નથી અને તેમણે પોતાનું બોલેલું પાળીને રાજીનામુ આપી દીધું હતું.

એનસીપીના નેતા મકરંદ પાટીલ અને રાહુલ ચવ્હાણ પણ હાલના કેબિનેટ વિસ્તરણનો હિસ્સો ન બની શક્યા હોવાથી નારાજ છે. મહારાષ્ટ્ર વિકાસ આઘાડીમાં સામેલ નાના પક્ષોને શપથગ્રહણ સમારોહ માટેનું નિમંત્રણ સુદ્ધા ન અપાતા રાજુ શેટ્ટી જેવા નેતાઓ જાહેરમાં નારાજી દર્શાવી રહ્યા છે. મંત્રી મંડળમાં સ્થાન ન મળતા માતી મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણ પણ નારાજ છે. ચવ્હાણની સાથે જ માજી મંત્રી નસીમ ખાન, 3 વારના ધારાસભ્ય પ્રણીતિ શિંદે, સંગ્રામ થોપતે અમીન પટેલ, રોહિદાસ પાટીલ જેવા કોંગ્રેસના નેતાઓ પણ નારાજ છે. આમાંથી કેટલાકે મલ્લિકાર્જુન ખડગેને મળીને પોતાની નારાજી દર્શાવી દીધી છે. મંગળવારે મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓ દિલ્હીમાં સોનિયા ગાંધી તેમજ અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક છે. આ બેઠકમાં નારાજ નેતાઓ વિશે ચર્ચા થવાની સંભાવના છે.