ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે ચર્ચામાં આવ્યું ચોંકાવનારું નામ, જાણો કોણ છે આ પાટીદાર નેતા

ગુજરાતભરમાં ભાજપ દ્વારા સંગઠન માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. તાલુકા અને જિલ્લા પ્રમુખની નિમણૂંકો કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે પાટીદાર સમાજના નેતાનું નામ ચર્ચાઈ રહ્યું છે. ભાજપ સાથે સંકળાયલા સૂત્રોએ જણાવ્યું કે નવા વર્ષમાં ગુજરાત ભાજપને નવા પ્રમુખ મળવાની શક્યતા છે.

ભાજપ સૂત્રોના જણાવ્યા મુજબ નવા પ્રદેશ પ્રમુખ તરીકે અનેક નામોની ચર્ચા થઈ રહી છે. ચર્ચામાં રહેલા નામોમાં શંકર ચૌધરી, આઈકે જાડેજા વગેરેના નામો છે પણ હાલ ભાજપ વર્તુળોમાં ગોરધન ઝડફીયાનું નામ ખાસ્સું ચર્ચાઈ રહ્યું છે. ગોરધન ઝડફીયા પાટીદાર સમાજમાંથી આવે છે અને હાલ તો ભારતીય કિસાન સંઘ સાથે સંકળાયેલા છે. 65 વર્ષીય ઝડફીયાએ ભાજપ જોઈન કરતાં પહેલાં વિશ્વ હિન્દુ પરિષદમાં પંદર વર્ષ સુધ કામ કર્યું હતું અને કેશુભાઈ સરકારમાં ગૃહમંત્રી બન્યા હતા અને બાદમાં તેમણે ભાજપને છોડી મહાગુજરાત જનતા પાર્ટી બનાવી હતી પણ પાછળથી મહાગુજરાત જનતા પાર્ટી ચૂંટણીમાં સફળ રહી ન હતી. બાદમાં આ પાર્ટીનું નામ બદલીને ગુજરાત પરિવર્તન પાર્ટી કરાયું અને પાછળથી એટલે 2014માં તેનું ભાજપમાં વિલીનીકરણ કરવામાં આવ્યું હતું.

ગોરધન ઝડફીયાને લોકસભાની ચૂંટણીમાં ઉત્તરપ્રદેશના ચાર્જ સોંપવામાં આયો હતો. યુપીની લોકસભાની ચૂંટણીઓમાં ભાજપનો ફરી વાર વિજય ડંકો થયો હતો. 2014થી ગોરધન ઝડફીયા ભાજપના સંગઠનના કામમાં સક્રીય છે અને એકતા યાત્રામાં પણ તેમણે મહત્વની ભૂમિકા નિભાવી હતી.

2020માં આવી રહેલી પાંચ મહાનગરાપાલિકાની ચૂંટણીઓને ધ્યાને લઈ ભાજપ દ્વારા ઝડફીયાના નામની વિચારણા કરવામાં આવી રહી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. નવા પ્રમુખની જાહેરાત નવા વર્ષમાં જ કરાશે એવા લાગે છે અને જાતિગત કે જ્ઞાતિગત સમીકરણોના બદલે માત્ર હિન્દુત્વની લાઈન પર જ નવા પ્રમુખની વરણી કરવામાં આવે તેવા સંકેતો મળી રહ્યા છે.