આનંદો: ફટાફટ ડાઉનલોડ કરવા રહો તૈયાર, 5-G નેટવર્ક માટે આ મહિનાથી શરૂ થશે ટ્રાયલ

દેશમાં ટૂંક સમયમાં ઇન્ટરનેટમાં એક નવી ક્રાંતિ આવી રહી છે, આવતા મહિને કેન્દ્ર સરકાર ટેલિકોમ કંપનીઓને 5-G નેટવર્ક શરૂ કરવા માટે મફત ટ્રાયલની છૂટ આપી શકે છે. કેન્દ્રીય ટેલિકોમ પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું છે કે અમે તમામ ટેલિકોમ કંપનીઓને ટ્રાયલ માટે મફતમાં 5-G સ્પેક્ટ્રમ આપીશું. આવતા મહિનાથી ટેલિકોમ કંપનીઓ મફત અજમાયશી સ્તરે 5-Gનો પ્રારંભ કરી શકે છે.

આ અગાઉ ગુરુવારે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશને (DoT) સ્પેક્ટ્રમ રેટ અંગે ટ્રાઇ સાથે વાત કરી હતી. આ દરમિયાન ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (ટ્રાઇ) એ તેના વિશે પોતાનો અભિપ્રાય આપવાનું કહ્યું હતું. તમને જણાવી દઈએ કે ટેલિકોમ વિભાગે વર્ષ 2020 સુધીમાં નવા સ્પેક્ટ્રમ વેચવાની સ્કીમ બનાવી છે.

ટેલિકમ્યુનિકેશન્સ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે ડિજીટલ ઓક્શન કમિશને 20 ડિસેમ્બરે 5.22 લાખ કરોડના સ્પેક્ટ્રમની હરાજી કરવાની યોજનાને મંજૂરી આપી દીધી છે. નવું 5-G સ્પેક્ટ્રમ આનાથી અલગ છે. ડીસીસીની મંજૂરી હેઠળ માર્ચ-એપ્રિલ 2020માં 22 સર્કલોમાં 8,300 મેગાહર્ટઝ સ્પેક્ટ્રમની હરાજી કરવામાં આવશે, ત્યારબાદ દેશમાં 5-Gના દ્વાર ખુલી જશે.

ટેલિકમ્યુનિકેશન્સ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે સરકાર ટૂંક સમયમાં 24.75-27.25 ગીગાહર્ટ્ઝ ‘મિલીમીટર વેવ બેન્ડ’ માટે ટ્રાઇના સૂચનો માંગશે. તે 5-G માટેનો સૌથી ઇન-ડિમાન્ડ બેન્ડ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ટેલિકોમ્યુનિકેશન્સ વિભાગ આ વધારાના 5-G બેન્ડ માટે જાન્યુઆરીમાં નિયમનકારનો પણ સંપર્ક કરશે.

તમને જણાવી દઇએ કે કોરીયા કરતા ભારતમાં મોંઘા સ્પેક્ટ્રમ છે. કોરિયામાં ટેલિકોમ કંપનીઓ માટે 5G યુનિટ દીઠ બેઝ પ્રાઈસ 65 કરોડ રૂપિયા છે જ્યારે ભારતમાં આ જ ભાવ 492 કરોડ રૂપિયા છે. તમને જણાવી દઈએ કે ટ્રાઇએ 20 મેગાહર્ટઝ બ્લોકમાં રેડિયોવેવની ભલામણ કરી છે. એટલે કે 100 મેગાહર્ટઝ વોલ્યુમ ખરીદવા માટે ઓપરેટરને ઓછામાં ઓછા 50,000 કરોડ ચૂકવવા પડશે.