ત્રિપલ તલાક પીડિતાઓ માટે ગૂડ ન્યૂઝ, સરકાર ભરી રહી છે આ મોટું પગલું

ત્રિપલ તલાક પીડિતાઓ માટે સારા સમાચાર છે. નવા વર્ષે ઉત્તર પ્રદેશની યોગી સરકાર આ પીડિતાઓને મોટી ભેટ આપવા જઈ રહી છે. ત્રિપલ તલાક પીડિતાને દર વર્ષે 6 હજાર રૂપિયા આપવામાં આવશે. આ સિવાય છૂટાછેડા લીધેલી હિન્દુ મહિલાને વાર્ષિક 6 હજાર રૂપિયા પણ આપવામાં આવશે. આ માટે ઉત્તર પ્રદેશ સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે. આશા છે કે આ પ્રસ્તાવ આવતા અઠવાડિયે કેબિનેટમાં મુકાશે.

ચાલુ નાણાકીય વર્ષના અંતિમ ક્વાર્ટરમાં બંને વર્ગની 5-5 હજાર મહિલાઓને યોજનાનો લાભ આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. લાભ મેળવવા માટે કોઈપણ પ્રકારની આવકની મહત્તમ મર્યાદા નથી. આ માટે એફઆઈઆર અને કોર્ટમાં ચાલી રહેલા ભરણ-પોષમના કેસને જ મુખ્ય આધાર તરીકે ગણવામાં આવશે.  ત્રિપલ તલાકને અપરાધના દાયરામાં લાવ્યા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મુસ્લિમ મહિલાઓને આર્થિક સહાય આપવાનું વચન આપ્યું હતું અને હવે યુપી સરકાર આ વચનને પૂર્ણ કરવા જઇ રહી છે.

યોગી સરકાર આ યોજના 2020ની શરૂઆતમાં લાગુ કરી શકે છે. મુસ્લિમ મહિલાઓ ઉપરાંત હિન્દુ અને અન્ય ધર્મોની ભોગ બનેલી મહિલાઓને પણ આવરી લેવામાં આવી છે. પીડિતાઓને વર્તમાન નાણાકીય વર્ષથી જ આર્થિક સહાય આપવાની યોજના છે. આ માટે લઘુમતી કલ્યાણ વિભાગ દ્વારા ત્રિપલ તલાકથી અસરગ્રસ્ત રાજ્યની પાંચ હજાર મહિલાઓની યાદી તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત ત્યજી દેવાયેલી મહિલાઓ વિશે સરવે પણ કરવામાં આવ્યો છે.