ડબલ સિઝન, ઠંડી સાથે વરસાદ:  ઠંડીમાં ગુજરાત ઠુંઠવાયું, કોલ્ડ વેવની આગાહી, આ વિસ્તારોમાં વરસાદ સંભાવના  

હાલ સમગ્ર ગુજરાતમાં કાતીલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ગાત્રો અને હાડ થીજાવતી શરદીના કારણે જનજીવન પર અસર પડેલી જોવા મળી રહી છે ત્યારે ગુજરાતમાં આગામી દિવસોમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. ગાત્રો-હાડ થીજાવી દેતા ઠંડા-સુકા પવનો ફૂંકાશે, તેવું અનુમાન જાહેર કરાયુ છે. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં  31 ડિસેમ્બરથી બીજી જાન્યુઆરી  સુધી ઠંડા-સુકા પવનો ફૂંકાશે તેવું અનુમાન જાહેર કરાયુ છે.

હવામાન ખાતાની આગાહી મુજબ ગુજરાતમાં 48 કલાક સુધી કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. જેના કારણે રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઠંડા પવન ફૂંકાશે. આગામી દિવસોમાં ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીથી રાજ્યમાં જનજીવન પ્રભાવિત થઈ શકે છે. ફરીથી રાજ્યના લોકોને ગરમ વસ્ત્રોમાં લપેટવાનો વારો આવ્યો છે.

હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, આણંદ, રાજકોટ, અમરેલી અને કચ્છમાં ઠંડા અને સુકા પવન ફૂંકાશે. તેમજ 24 કલાક દરમિયાન બેથી ત્રણ ડિગ્રી પારો ઘટતાં જનજીવન પ્રભાવિત થયું છે. આગામી બે દિવસ ઠંડીનું જોર યથાવત રહેશે.

આગામી દિવસોમાં હજુ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટે તેવી શક્યતા છે. એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગામી 30 ડિસેમ્બરના પશ્ચિમી હિમાલય અને જમ્મુ-કાશ્મીર પર જોવા મળશે. જેની મેગા અસર ગુજરાત પર જોવા મળશે. 31 ડિસેમ્બરથી બીજી જાન્યુઆરી સુધી ઉત્તરના રાજ્યો ઉપરાંત ગુજરાત અને તેની આસપાસના રાજ્યોમાં કમોસમી વરસાદ થશે જેને કારણે બે-ચાર દિવસમાં ઠંડીનું જોર વધશે.

નલિયામાં 3.6 ડીસામાં 6.8 ડીગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે ઉત્તરપૂર્વના પવનના કારણે ઠંડીનો ચમકારો વધ્યો છે. કંડલા એરપોર્ટમાં 8.2 ડીગ્રી, ભૂજમાં 9 ડીગ્રી, રાજકોટમાં 9.3 ડીગ્રી, અમદાવાદમાં 10.2 ડીગ્રી, સુરેન્દ્રનગરમાં 10.2 ડીગ્રી, ગાંધીનગરમાં 10 ડીગ્રી તાપમાન નોંધાયું છે.

રાજ્યમાં કોલ્ડવેવનું મોજું ફરી વળતા મોટાભાગનાં શહેરોમાં ઠંડીનો પારો પંદર ડિગ્રીની નીચે નોંધાયો હતો. યાત્રાધામ શામળાજીમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. વહેલી સવારે ઠંડીનો પારો 9 ડિગ્રી પહોંચ્યો હતો. જિલ્લામાં સૌથી ઓછું તાપમાન નોંધાતા લોકો ઠંડીમાં ઠુંઠવાયા હતા. લોકો ઠંડીથી બચવા માટે તાપણાનો સહારો લઈ રહ્યા છે. તો આ તરફ કચ્છનો પારો સિંગલ ડિજિટમાં જોવા મળ્યો છે.

બર્ફીલા પવન ફૂંકાવવાનું શરૃ થતા કચ્છ ઠંડુંગાર થઈ ગયું છે. નલિયા(લઘુત્તમ પારો ૪.૮ ડિગ્રી) ધ્રુજી ઉઠ્યું છે. ખાવડામાં ૯ ડિગ્રી, રાપરમાં ૧૦ તો માંડવી-મુંદરામાં ૧૫ ડિગ્રી તાપમાન નોંધાયું છે. નલિયા રાજ્યનું સૌથી ઠંડું નગર બન્યું હતું તો ૧૦ ડિગ્રી સાથે ભુજ તો ૧૧.૨ ડિગ્રીએ કંડલા એરપોર્ટ પણ ઠંડીમાં ઠુંઠવાયું હતું.

દિલ્હીથી જતી ૨૧ ટ્રેનોને ધુમ્મસની અસર થઈ છે. આ ટ્રેનો ૨ થી ૬ કલાક લેટ ચાલી રહી છે. દિલ્હીથી જતી ફ્લાઈટને કોઈ અસર નથી થઈ. ખરાબ વાતાવરણના કારણે શિરડી જતી ૨ ફ્લાઈટ રદ કરવામાં આવી છે. પૂણેના સેન્ટર ફોર ક્લાઈમેટ ચેન્જ રિસર્સ (સીસીસીઆર)ના ડો.ભૂપેન્દ્રસિંહના જણાવ્યા પ્રમાણે જળવાયુ પરિવર્તન પશ્ચિમી વિક્ષોત્રની તીવ્રતાને પ્રભાવિત કરે છે. તેનાથી પારો નીચે આવી ગયો છે. પ્રદૂષણના કારણે ધૂંધ પણ વધારે રહેશે. છેલ્લાં કેટલાક વર્ષોથી તાપમાનમાં ફેરફારની ઈનડિરેક્ટલી પેટર્ન ચાલી રહી છે. તેની વાતાવરણ પર ગંભીર અસર થઈ રહી છે.