CAA વિરોધી પ્રદર્શન: અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના 10 હજાર વિદ્યાર્થીઓ વિરુદ્વ ગુનો દાખલ

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં 15 ડિસેમ્બરે નાગરિકતા સુધારા અધિનિયમ (CAA) વિરુદ્વના પ્રદર્શન દરમિયાન થયેલી હિંસામાં પોલીસે 10 હજારથી વધુ અજાણ્યા વિદ્યાર્થીઓ  વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. પોલીસનું કહેવું છે કે આ વિદ્યાર્થીઓ CAAના વિરોધમાં સામેલ થયા હતા. પોલીસ વીડિયો અને સીસીટીવી ફૂટેજના આધારે આ કેસની તપાસ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે તમામ આરોપીઓની ઓળખ થઈ રહી છે. આ અગાઉ ડીજીપી ઓપી સિંહે સ્પષ્ટ કર્યું છે કે કોઈ નિર્દોષ પકડાશે નહીં પરંતુ દોષીઓને પણ બક્ષવામાં આવશે નહીં.

નાગરિકતા સુધારણા એક્ટના વિરોધમાં યુપીનાં અનેક સ્થળોએ હિંસક દેખાવો થયાં. આ પ્રદર્શનમાં જાહેર સંપત્તિને નુકસાન થયું હતું. જે પછી યોગી સરકારે જાહેરાત કરી હતી કે જેણે પણ જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડ્યું છે તેની ઓળખ કરીને તેની મિલકતમાંથી વસૂલાત કરવામાં આવશે. આવી સ્થિતિમાં એવા લોકોની ઓળખ કરવાનું કામ શરૂ થયું, જેમણે સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડ્યું છે.

હિંસા દરમિયાન યુપીના જુદા જુદા જિલ્લાઓમાં વળતર માટે કુલ 498 લોકોની ઓળખ કરવામાં આવી છે. આમાં લખનૌમાં 82, મેરઠમાં 148, સંભલમાં 26, રામપુરમાં 79, ફિરોઝાબાદમાં 13, કાનપુર નગરમાં 50, મુઝફ્ફરનગરમાં 73, મઉમાં 8 અને બુલંદશહેરમાં 19 લોકોની ઓળખ કરાઈ છે. હવે તેમને પાસેથી જાહેર સંપત્તિના નુકસાનની વસુલાત કરવામાં આવશે.