ટીવી એક્ટર કુશાલ પંજાબીના સ્યુસાઈડને લઈ ચોંકાવનારો ખુલાસો, આપઘાતનું આ હતું કારણ

ટીવી અભિનેતા અને મોડેલ કુશાલ પંજાબીએ આપઘાત કરી લેતા ટીવી જગતમાં દુખની લાગણી ફેલાઈ છે. કુશાલ માત્ર 37 વર્ષનો હતો. કુશાલનો મૃતદેહ તેના મકાનમાં લટકતો મળી આવ્યો હતો. કુશાલના આપઘાત કર્યા બાદ તેને મુંબઈની ભાભા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. તેણે અંગ્રેજીમાં બે પાનાની સુસાઇડ નોટ પણ લખી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે લાંબા સમયથી ડિપ્રેશનમાં હતો. ટીવી એક્ટર કુશાલ પંજાબીના નજીકના મિત્ર અને ટીવી એક્ટર ચેતન હંસરાજે આપઘાત અંગે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે.

ચેતન હંસરાજે કહ્યું કે કુશાલનું દામ્પત્ય જીવન સારી રીતે ચાલી રહ્યું ન હતું.. જેના કારણે તે ડિપ્રેશનમાં હતો. તેને પત્નીથી છૂટા થઈ જવાનું દુખ હતું અને કેટલાક સમયથી બીમાર હતો.

ચેતન હંસરાજે  કહ્યું કે થોડા દિવસો પહેલા વાત કરી હતી. તે પછી તેણે મને કહ્યું હતું ખૂબ જ  પરેશાન છું. મેં તેને સમજાવવા માટે ખૂબ જ પ્રયાસો કર્યા હતા કે તે આ બધાથી  હેરાન થવાની જરૂર નથી અને આગળ વધવું જોઈએ. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે તે આવું પગલું ભરશે. કુશાલે 2015માં ઓડ્રી ડોલેન સાથે લગ્ન કર્યા હતા. એપ્રિલ-2016માં પુત્રનો જન્મ થયો હતો.

બાંદ્રા પોલીસે શુક્રવારે કહ્યું હતું કે કુશાલના ઘરેથી સ્યુસાઇડ નોટ મળી છે. જેમાં તેણે લખ્યું છે કે, ‘મારી આત્મહત્યા માટે જવાબદાર કોઈ નથી. મારી સંપત્તિનો 50 ટકા હિસ્સો મારા માતાપિતા અને બહેન વચ્ચે સમાનરૂપે વિતરિત થવો જોઈએ, બાકીનો ભાગ ત્રણ વર્ષના પુત્રને આપવામાં આવે. પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે કુશાલે આ પગલું ભર્યું હતું, ત્યારે તે તેના ઘરે એકલો હતો. તેની પત્ની વિદેશમાં હતી.