કઝાકિસ્તાનમાં બે માળની બિલ્ડીંગમાં ઘૂસી ગયું પ્લેન, 14નાં મોત

કઝાકિસ્તાનથી નીકળેલનું પેસેન્જર વિમાન ઉપડવાની થોડી જ વારમાં બે માળની બિલ્ડિંગ પર તૂટી પડ્યું હતું. 100 લોકો વિમાનમાં સવાર થયા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે અને અત્યાર સુધીમાં 14 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. સ્થાનિક સમય મુજબ સવારે 7.05 વાગ્યે ઉપડવાની થોડી મિનિટો પછી બેક એર ફ્લાઇટ 2100નો સંપર્ક છૂટી ગયો. હાલમાં બચાવ કામગીરી ચાલુ છે અને વિમાનમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનું કામ ચાલુ છે. વિમાન દુર્ઘટનાના કારણો હજુ સુધી જાણી શકાયા નથી.

કઝાકિસ્તાનના અલ્માટી એરપોર્ટથી વિમાન ઉપડ્યું હતું, પરંતુ ઉપડ્યા બાદ રડાર સાથેનો સંપર્ક તૂટી ગયો અને વિમાન ક્રેશ થઈ ગયું. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 14 લોકોનાં મોત અને 35 લોકો ઘાયલ થયા છે. ઘટનાના વીડિયોમાં વિમાન દુર્ઘટના પછી આગમાં ભરેલું હોવાનું જણાય છે. વીડિયો ફૂટેજ બતાવે છે કે આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ છે અને આસપાસના ઘરોમાં લાગી ગઈ છે.

અલમાટી એરપોર્ટથી ટેકઓફ થયા પછી બેક વિમાન બે માળની બિલ્ડિંગમાં ક્રેશ થયું હતું. આ વિમાન દેશના પાટનગર નૂર સુલતાન તરફ ઉડ્યું હતું. સરકારી અધિકારીઓએ જારી કરેલા નિવેદન અનુસાર બચાવ કામગીરી ચાલુ છે અને હવે આગને કાબૂમાં લેવામાં આવી છે. આ વિમાન ફોક્કર -100 કંપનીનું છે. કંપની 1996માં નાદાર થઈ ગઈ, ત્યારબાદ વિમાનનું ઉત્પાદન બંધ કરાયું.

વીડિયોમાં ફાયરની ટીમ તુરંત રાહત કામગીરી કરતા જોવા મળી રહ્યા છે. બેકગ્રાઉન્ડમાં લોકોને મદદ અને બચાવવા માટે રડવાનો અવાજ પણ છે. આ વિમાનમાં 95 મુસાફરો અને ક્રૂના 5 સભ્યો હતા. આ વિમાન દેશના સૌથી મોટા શહેર અને પૂર્વ રાજધાની અલ્માટીથી કઝાકિસ્તાનની રાજધાની નૂર સુલતાન માટે રવાના થયું હતું. અલ્માટી એરપોર્ટ અને ઇમરજન્સી સર્વિસ વિભાગનું કહેવું છે કે વિમાનમાં ફસાયેલા લોકોને બચાવવા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે.