દાનિશ કનેરીયાએ કહ્યું હિન્દુ હોવાના કારણે ભેદભાવ રખાતો, ઈમરાન ખાન પાસે કરી આ માંગ

પાકિસ્તાનના પૂર્વ સ્પીન બોલર દાનિશ કનેરિયાએ કહ્યું છે કે તેના પૂર્વ સાથી અને ઝડપી બોલર શોએબ અખ્તરએ તેના વિશે જે કહ્યું છે તે સંપૂર્ણ રીતે સાચું છે. કનેરિયાના મતે, હિન્દુ ખેલાડી હોવાના કારણે ટીમમાં તેની સાથે ભેદભાવ કરવામાં આવ્યો હતો. આ સાથે કનેરિયાએ એમ પણ કહ્યું કે લોકોએ આ મામલે રાજકારણ ન કરવું જોઈએ.

એક નિવેદનમાં કનેરિયાએ એમ પણ કહ્યું છે કે મારું જીવન સારું નથી ચાલી રહ્યું અને તેથી જ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનને વિનંતી કરું છું કે તેઓ તેમને આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવવામાં મદદ કરે.

કનેરિયાએ કહ્યું, “મેં આજે મહાન બોલર શોએબ અખ્તરનો એક ઇન્ટરવ્યૂ જોયો. વ્યક્તિગત રૂપે, હું તેમનું સાચું બોલવા બદલ આભાર માનું છું. હું ક્રિકેટર તરીકે મને સપોર્ટ કરવા બદલ તમામ ખેલાડીઓનો આભાર માનું છું. હું મીડિયા, સાચા ક્રિકેટ મેનેજમેન્ટ અને પાકિસ્તાનના લોકોનો પણ આભાર માનું છું, જેમણે મારા ધર્મને ધ્યાનમાં લીધા વિના મને ટેકો આપ્યો. ”

પીટીવીના પ્રોગ્રામ ‘ગેમ ઓન હૈ’ માં અખ્તરએ આરોપ લગાવ્યો કે કનેરિયા હિન્દુ હોવાના કારણે પાકિસ્તાની ટીમમાં ભેદભાવ રાખવામાં આવ્યો હતો અને એવા ઘણા ખેલાડીઓ હતા જે  કનેરિયાને ટીમમાં જોવા માંગતા ન હતા. આ સાથે જ અખ્તરે એમ પણ કહ્યું હતું કે કનેરિયાએ ઘણી મેચોમાં પાકિસ્તાનને જીત અપાવી હતી પરંતુ તેને તેનું શ્રેય મળ્યું નથી. આ સમયે  સાથી ખેલાડીઓ સતત તેને ધિક્કારતા હતા. અખ્તરે એમ પણ કહ્યું હતું કે કેટલાક ખેલાડીઓ કનેરિયા સાથે જમવાનું પણ ઇચ્છતા નહોતા.

કનેરિયાએ 2000થી 2010 દરમિયાન પાકિસ્તાન માટે 50થી વધુ ટેસ્ટ રમી હતી. તે પાકિસ્તાન તરફથી રમનારો બીજો હિન્દુ ખેલાડી છે. અગાઉ અનિલ દલપત પાકિસ્તાન તરફથી રમ્યા હતા, જે કનેરિયાના કાકા હતા. 1980ના દાયકામાં અનિલ દલપત પાકિસ્તાન તરફથી વિકેટકીપર તરીકે રમ્યા હતા. લેગ સ્પીનર કનેરિયાએ કહ્યું કે, કેટલીક એવી બાબતો છે જેને સમાજ સ્વીકારતો નથી. જો કે, આટલું બધું હોવા છતાં રમત અને જીવન પ્રત્યે સકારાત્મક રહ્યો અને આવી બધી બાબતોની અવગણના કરું છું. ”

39 વર્ષીય કનેરિયાએ કહ્યું કે, “મારી જિંદગી બરાબર નથી ચાલી રહી.” મારા ઉપર ફિક્સિંગના આક્ષેપો થયા હતા અને હું ટીમથી બહાર હતો. આ સમય દરમિયાન મેં પાકિસ્તાનમાં ઘણા લોકોનો સંપર્ક કર્યો અને આ મામલાને હલ કરવા માગતો હતો પરંતુ મારા તમામ પ્રયત્નો નિષ્ફળ સાબિત થયા. ફિક્સિંગના આરોપોથી પાકિસ્તાનના અન્ય ઘણા ખેલાડીઓ ઘેરાયેલા હતા પરંતુ તમામ નિર્દોષ છૂટી ગયા હતા.

કનેરિયાએ કહ્યું, “મેં ક્રિકેટર તરીકે પાકિસ્તાનને બધું જ આપ્યું હતું. મને તેનો ગર્વ છે. ઘણા કેસમાં હું આશાવાદી હતો કે પાકિસ્તાનની જનતા મને મદદ કરશે. હું આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે આપણા વડા પ્રધાન ઇમરાન ખાન સહિત પાકિસ્તાનના દિગ્ગજ ક્રિકેટરોની મદદ માંગું છું.