કોંગ્રેસ નેતાનું ભડકાઉ નિવેદન, પેટ્રોલ-ડીઝલ તૈયાર રાખો, આદેશ મળતા જ બધું ફૂંકી દેજો

કોંગ્રેસના પૂર્વ સાંસદ અને વરિષ્ઠ નેતા પ્રદીપ માંઝી વિવાદિત નિવેદન આપતા કેમેરામાં ઝડપાયા છે. ઓડિશાના નબરંનગરમાં સગીરાના બળાત્કાર અને હત્યાના મામલામાં કોંગ્રેસે ગુરુવારે બંધનું એલાન આપ્યું હતું.

કોંગ્રેસના સાંસદ કોઈને ફોન પર કહેતા સાંભળવામાં આવ્યાં કે, ‘પેટ્રોલ અને ડીઝલ તૈયાર રાખો, ઓર્ડર મળતાંની સાથે જ બધું ફૂંકી દેજો, પછી જોઈએ હવે શું થાય છે.’ એટલું જ નહીં પાછળથી માંઝીએ કહ્યું હતું કે પાર્ટીના કાર્યકરોને આવા નિર્દેશ આપવામાં તેમને કોઇ અફસોસ નથી. તમને જણાવી દઈએ કે પ્રદીપ ઓડિશા કોંગ્રેસના વર્કિંગ પ્રેસિડેન્ટ પણ છે.

હકીકત એવી છે કે નબરંગનગરમાં 14 ડિસેમ્બરે સગીર પર બળાત્કાર કરીને તેની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ કોંગ્રેસે પોલીસ-પ્રશાસન પર બેદરકારી દાખવવાનો આરોપ લગાવતા તેની સામે 12 કલાકનું બંધનું એલાન આપ્યું હતું. આ બંધ દરમિયાન માંઝી પોતાના એક કાર્યકરને ફોન પર આવી વાત કહીને કેમેરામાં ઝડપાઈ ગયા હતા. જોકે, બાદમાં તેમણે ખુલાસો આપીને તેમના નિવેદનને ન્યાયી ઠેરવવાનો પ્રયાસ કર્યો હતો.

પ્રદીપ માંઝીએ જણાવ્યું હતું કે, જ્યારે નિર્દોષનો બળાત્કાર થાય છે અને હત્યાના મામલે સરકાર કોઈ પગલું ભરે નહીં ત્યારે અમે નેતાજી સુભાષચંદ્ર બોઝની નીતિ અપનાવી છે. તેમણે કહ્યું કે આવી ઘટનાઓ એક પછી એક બની રહી છે, પરંતુ સરકાર અને ગૃહ મંત્રાલય કશું કરી રહ્યા નથી, બસ હવે બહું થયું.

માંઝીએ તેમના નિવેદનના બચાવમાં દલીલ કરી હતી કે જ્યારે અમે ગાંધીજીના સિધ્ધાંતોનું પાલન કરીને ગરીબોને ન્યાય અપાવી શકતા નથી, ત્યારે અમને નેતાજીના વિચારો અપનાવવા માટે પરજ પડશે. કાયદાને હાથમાં લેવા માટે અમારે મજબૂર થવું પડશે.

કોંગ્રેસ નેતાના નિવેદન બાદ ભાજપે સીધી રીતે સોનિયા ગાંધીને નિશાન બનાવ્યા છે. ભાજપના આઇટી સેલના પ્રભારી અમિત માલવીયાએ માંઝીના નિવેદનમાં સંબંધિત સમાચારને ટવિટ કરીને જણાવ્યું હતું કે, “આના પરથી જાહેર થયા છે કે સોનિયા ગાંધીએ CAA હિંસા અંગેના સંબોધનમાં શાંતિ માટે ક્યારેય અપીલ કરી નથી, આના કારણે કેડર કન્ફ્યુઝ થઈ જાય છે.