સીઝ ફાયર ભંગ કરવાનું પડ્યું મોઘું, ભારતે ફૂંકી દીધી પાકિસ્તાનની ચોકીઓ, ત્રણથી ચાર રેન્જર્સ ઠાર

પાકિસ્તાન તરફથી ક્રોસ બોર્ડરથી કરવામાં આવી રહેલા ફાયરીંગનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય સેનાએ પાકિસ્તાનની સેનાની ચોકીઓ તબાહ કરવા સાથે અનેક પાકિસ્તાની રેન્જર્સને ઠાર કર્યા છે.

લાઇન ઓફ કંટ્રોલ (એલઓસી) પર સીઝફાયરનું ઉલ્લંઘન કરવાથી ફરી એકવાર પાકિસ્તાની સૈન્યને મોંઘું પડ્યું છે.. જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ પાકિસ્તાની આર્મીની પોસ્ટ્સનો નાશ કર્યો છે. આ સાથે ભારતીય સેનાએ  3-4 પાકિસ્તાની રેન્જર્સને પણ ઢેર કરી દીધા છે. ગુરુવારે રાત્રે પાકિસ્તાને પૂંછ-રાજૌરી સેક્ટરમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું અને મોર્ટાર છોડ્યા હતાં.

આ પહેલા બુધવારે જમ્મુ-કાશ્મીરના ઉરી ખાતે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને પાકિસ્તાને મોર્ટાર ચલાવ્યું હતું અને ફાયરિંગ કર્યું હતું. પાકિસ્તાની સેનાની આ ઘૃણાસ્પદ કૃત્યને કારણે ભારતીય સેનાનો એક સુબેદાર શહીદ થયો હતો. ભારત વતી સેનાએ પાકિસ્તાનને આર્ટિલરી અને મોર્ટાર વડે જવાબ આપ્યો હતો.

ભારતીય સેનાએ કરેલી વળતા હુમલામાં પાકિસ્તાની આર્મીની અનેક પોસ્ટ્સનો નાશ કરાયો હતો. આ સાથે પાકિસ્તાની સેનાએ કબૂલ્યું છે કે તેના બે સૈનિકો પાકિસ્તાન હસ્તકના કાશ્મીરના દેવા સેક્ટરમાં માર્યા ગયા હતા.