વીડિયો: સુરત: 30 મીટરની ઉંચાઈએ ચકડોળમાં 56 લોકોએ જોયું આંખ સામે મોત, ફાયર ટીમે આ રીતે કર્યું દિલધડ રેસ્ક્યુ ઓપરેશન

સુરતના મોરાગામ ખાતે ચાલી રહેલા મેળામાં બુધવારે સાંજે અચાનક ચકડોળ અધવચ્ચે બંધ થઈને અટકી ગઈ હતી. ચકડોળમાં બેઠેલા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા ત્યારે સુરત ફાયર બ્રિગેડની ટીમે તમામ લોકોનું સહી સલામત રેસ્કયુ કર્યું હતું.

સુરત મહાનગરપાલિકાની ફાયર ટીમને કોલ મળતાં જ તરત જ મોરાગામે તે ધસી ગઈ હતી અને રેસક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. ફાયર ટીમના વડા વસંત પારેખ સહિત અન્ય ઓફીસરોએ ઈમરજન્સી એક્શન પ્લાન બનાવ્યો અને તમામ લોકોને સલામત રીતે રાઈડમાંથી બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન કર્યું હતું.

વસંત પારેખ જણાવ્યું કે રાઈડ 30 મીટરની ઉંચાઈએ આકાશમાં અટકી ગઈ હતી. રાઈડમાં બેઠેલા લોકો મોતના મુખમાં હોવાનો અનુભવ કરી રહ્યા હતા. પરંતુ ફાયર ટીમે લોકોને ધરપત અને ધીરજ રાખવાની સતત અપીલ કરી હતી. રાઈડના સળીયા તૂટી ગયા હતા અને રાઈડ એક તરફ નમી ગઈ હતી. આ સ્થિતિમાં ફાયર ટીમ માટે ઝડપથી નિર્ણય લેવાનો હતો અને ટીટીએલ તથા હાઈડ્રોલીક પ્લેટફોર્મને તાત્કાલિક મોરા ગામે લઈ જવામાં આવ્યું હતું.

જૂઓ વીડિયો…

સાંજે સાત વાગ્યેથી ચાલુ થયેલું રેસ્ક્યુ ઓપરેશન રાત્રે સવા અગિયાર વાગ્યાના અરસામાં સમાપ્ત થયું હતું. રાઈડમાં બેઠેલા લોકોને કોઈ પણ પ્રકારની ઈજા ન પહોંચે તેની તકેદારી રાખવામાં આવી હતી અને તમામ 56 લોકોને સહી સલામત રીતે રાઈડમાંથી ઉતારવામાં આવ્યા હતા.

સુરત ફાયર ટીમની કામગીરીની ચોમેર પ્રશંસા કરવામાં આવી રહી છે અને મોરા ગામ સહિત સુરતના લોકોએ ફાયર ટીમના રેસ્ક્યુ ઓપરેશનની સરાહના કરી છે.