PM મોદીના કાર્યક્રમનો ઓલ એક્સેસ પાસ ન અપાયો, તો શાઝીયા ઈલ્મીએ કહ્યું” થઈ રહ્યો છે ભેદભાવ”

ભારતીય જનતા પાર્ટી ની દિલ્હી એકમની ઉપાધ્યક્ષ શાઝીયા ઇલ્મીનો એક વ્હોટ્‌સએપ મેસેજ લીક થયો છે. જેમાં તેણે રાજ્ય એકમના નેતાઓ દ્વારા ભેદભાવ કરવાનો આરોપ લગાવ્યો છે. પાર્ટીના વ્હોટ્‌સએપ ગ્રૂપમાં શાઝીયા ઇલ્મીએ મેસેજ કરીને દિલ્હીમાં થનારી સભાઓમાં પ્રદેશ પાર્ટી નેતૃત્વ પર ભેદભાવ કરવાનો આરોપ લગાવ્યો છે.

તેમણે કહ્યું હતું કે રામલીલા મેદાનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રેલીમાં તેને ઓલ એક્સેસ પાસ આપવામાં આવ્યો ન હતો. આ કારણે તે પીએમ મોદીના મંચ પર જઈ શકી ન હતી. પાર્ટીના વરિષ્ઠ નેતાઓને આ પાસ આપવામાં આવ્યા હતા. પીએમ મોદીએ રવિવારે રામલીલા મેદાનમાં ધન્યવાદ રેલીને સંબોધિત કરી હતી.

શાઝીયા ઇલ્મીએ ધાર્મિક આધાર પર ભેદભાવ થવાની વાતથી ઇન્કાર કર્યો છે. તેણે કહ્યું હતું કે હું સ્પષ્ટ રીતે બતાવવા માંગીશ કે તેને ધાર્મિક દ્રષ્ટીકોણથી જોવી જોઈએ નહીં, આ પ્રદેશ નેતૃત્વ સાથે જોડાયેલી રાજનીતિ છે.

રિપોર્ટ પ્રમાણે પીએમ મોદીની રામલીલા મેદાનમાં થયેલી રેલી દરમિયાન શાઝીયા ઇલ્મીને મીડિયાકર્મીઓ સાથે બેસવું પડ્યું હતું. જ્યારે દિલ્હી એકમના અન્ય નેતાઓને પીએમના મંચ પર જવાની મંજૂરી આપવામાં આવી હતી. શાઝીયા ઇલ્મીએ કહ્યું હતું કે હું આ મુદ્દાને મીડિયા દ્વારા ક્યારેય કહેવા માંગતી ન હતી પણ પાર્ટીના આંતરિક વ્હોટ્‌સએપ ગ્રૂપમાં કોઈએ તેને લીક કરી દીધો હતો. કેન્દ્રીય નેતૃત્વએ આ મામલે નોંધ લીધી છે.