પશ્ચિમ આફ્રિકા: બુર્કિના ફાસોમાં આતંકી હુમલોઃ 35 લોકોના મોત, 80 આતંકી ઠાર

પશ્ચિમ આફ્રિકન દેશ બુર્કિના ફાસોમાં એક આતંકવાદી હુમલામાં 35 લોકોના મોત થયા છે. સુરક્ષાકર્મીઓએ 80 જેટલા આતંકવાદીઓને ઠાર માર્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે.

રાષ્ટ્રપતિ રોચ માર્ક કાબોરે આ હુમલા અંગે જાણકારી આપતા જણાવ્યું છે કે, આતંકી હુમલા પછી સુરક્ષાકર્મીઓ સાથે થયેલી અથડામણમાં અંદાજે 80 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. બુર્કિના ફાસો દેશના રાષ્ટ્રપતિએ આ આતંકી હુમલાની જાણકારી ટવિટર પર આપી છે.

હુમલામાં મૃતકોમાં સૌથી વધારે મહિલાઓ છે. બુર્કિના ફાસોની સેનાએ કહ્યું કે, અરબિંદા શહેરમાં વહેલી સવારે થયેલા આ આતંકી હુમલામાં સાત જવાનો શહીદ થયા છે. હુમલામાં અનેક નાગરિકો અને 80 આતંકવાદીઓ માર્યા ગયા હોવાની માહિતી આપવામાં આવી છે. છેલ્લા પાંચ વર્ષમાં બુર્કિના ફાસામાં આ સૌથી મોટો હુમલો છે.