NPR: ન કાગળ, ન પ્રુફ, ન તો બાયોમેટ્રીક તપાસ, માત્ર આ વસ્તુથી થશે વસ્તી ગણતરી

મંગળવારે મોદી કેબિનેટની બેઠકમાં નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (NPR)ને મંજૂરી આપવામાં આવી છે. સરકાર પહેલી એપ્રિલથી સપ્ટેમ્બર 2020 સુધીમાં વસ્તીનો નવો ડેટાબેસ બનાવશે.ન તો કોઈ કાગળ, ન તો કોઈ પ્રુફ કે ન તો બાયોમેટ્રિક ગણતરી કરવામાં આવશે નહીં. માત્ર એક એપ્લિકેશનથી NPRનો ડેટા તૈયાર કરવામાં આવશે. આ પહેલી વાર હશે જ્યારે એપ્લિકેશનનો ઉપયોગ વસ્તી ગણતરીમાં કરવામાં આવશે. કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે આ માહિતી આપી છે.

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે મનાલીથી લેહ સુધી અટલ ટનલ બનાવવાની યોજના 2005માં શરૂ થઈ હતી. તેનું 80 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. તેમણે કહ્યું કે કેબિનેટે ગુજરાત, હરિયાણા, કર્ણાટક, મધ્યપ્રદેશ, રાજસ્થાન મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં ઓળખાતા વિસ્તારોમાં અટલ જલ યોજનાને પાંચ વર્ષના સમયગાળા માટે કુલ 6000 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે.

તેમણે વધુમાં કહ્યું કે, પહેલી એપ્રિલથી સપ્ટેમ્બર 2020 સુધી વસ્તી ગણતરી કરવામાં આવશે. વસ્તી ગણતરીમાં કોઈ દસ્તાવેજોની જરૂર રહેશે નહીં. જે ભારતમાં રહે છે, તેમની ગણતરી કરવામાં આવશે. આના માટે એક ખાસ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે.

પ્રકાશ જાવડેકરે કહ્યું કે કેબિનેટે વસ્તીગણતરી 2021ના આયોજન અને નેશનલ પોપ્યુલેશન રજિસ્ટરને અપડેટ કરવાની મંજૂરી આપી છે. આ એક સ્વ-ઘોષણા છે. આ માટે કોઈ દસ્તાવેજો, બાયોમેટ્રિક અને અન્ય બાબતોની જરૂર નથી.

કેબિનેટે 2021ની વસ્તી ગણતરી માટે 8,754.23 કરોડ અને નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (NPR)ના અપડેટ માટે 3,941.35 કરોડની મંજૂરી આપી છે. તેમણે વધુમાં કહ્યું કે, કેબિનેટે 2018-19 દરમિયાન સ્વદેશ દર્શન યોજના દરમિયાન મંજૂર 10 પ્રોજેક્ટ માટે 627.40 કરોડના ફંડને મંજૂરી આપી છે.

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે સરકારી કર્મચારીઓ ઘરે આવશે. દરેક રાજ્યોએ આ માટે મંજૂરી આપી છે. તેમણે એમ પણ માહિતી આપી હતી કે આ રજિસ્ટર દર આઠથી 10 વર્ષે સુધારવામાં આવશે. તેમણે આ યોજનાની જરૂરિયાત વિશે જણાવ્યું હતું કે સરકારી યોજનાનો લાભ બધા અને યોગ્ય લોકો સુધી પહોંચાડવા માટે આ પ્રક્રિયા અપનાવવામાં આવશે. તેમણે સ્પષ્ટ કર્યું કે આમાં કોઈ બાયોમેટ્રિક માહિતી નહીં પૂછવામાં આવશે.