વાહનચાલકોને મોદી સરકાર બખ્ખા કરાવશે: 10 રૂપિયા સુધી પેટ્રોલ સસ્તું થઈ શકે છે, જાણો વધુ

કેન્દ્રની મોદી સરકાર પાછલા કેટલાક સમયથી મેથેનલ બ્લેન્ડેડ ઈંધણને માર્કેટમાં લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. આના માટે સરકાર તરફથી અનેક કાર્યવાહી પણ કરવામાં આવી છે. જો સરકાર આ મહત્વકાંક્ષી યોજનામાં સફળ થાય તો પેટ્રોલના ભાવમાં દસ રૂપિયા સુધીની અસર જોવા મળી શકે છે. આની સીધી અસર પ્રદુષણ પર પણ જોવા મળશે. જો સરકાર સફળ થાય તો પ્રદુષણમાં પણ 30 ટકાનો ઘટાડો થઈ શકે છે. હાલ દિલ્હીમાં એક લીટર પેટ્રોલનો ભાવ 74.63 રૂપિયા છે. જ્યારે ડીઝલનો ભાવ પાંચ પૈસા વધીને 66.99 રૂપિયા પ્રતિ લીટર છે.

કેન્દ્ર સરકાર આ યોજના પર ઝડપથી કામ કરી રહી છે. હાલમાં જ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને લેટર લખી જણાવ્યું છે કે દેશભરમાં મેથેનોલ બ્લેન્ડેડ ફ્યઅલ ઉપલબ્ધ કરાવવામાં આવે. આનો સીધો ફાયદો એ થશે કે ક્રુડ ઓઈલને આયાત કરવામાં પણ ઘટાડો થશે. આના કારણે દર વર્ષે ભારત પાંચ હજાર કરોડ રૂપિયા બચાવી શકશે.

હાલ દેશમાં 10 ટકા એથેનોલ બ્લેન્ડેડ ઈંધણનો ઉપયોગ કરવામાં આવે છે. આ એથેનોલની પાછળ અંદાજે લીટર દીઠ 42 રૂપિયાનો ખર્ચ થાય છે.જે વધારે છે. જેથી કરીને સરકાર એથેનોલના બદલે મિથેનોલ પર કામ કરી રહી છે. મેથેનોલનો ભાવ માત્ર 20 રૂપિયા પ્રતિ લીટર છે. ઈન્ડીયન ઓઈલ કોર્પોરેશન દ્વારા પહેલાંથી મેથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલ બનાવવામાં આવી રહ્યું ચે. આમાં 15 ટકા મેથેનોલ અને 85 ટકા પેટ્રોલ છે.

આ યોજનાને અમલવારી સુધી લઈ જવા માટે રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીએ એક્શન પ્લાન તૈયાર કરી દીધો છે. નીતિન ગડકરીનું કહેવું છે કે આ યોજના માટેનું હવે પછીનું કાર્ય પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા કરવામાં આવશે. આના માટે નીતિ આયોગ સાથે વાતચીત ચાલી રહી છે. નીતિ આયોગના મેમ્બરના જણાવ્યા પ્રમાણે ઈંધણમાં 15 ટકા મેથેનોલ બ્લેન્ડ કરવાના લીધે 2030 સુધી 100 અબજ ડોલરની બચત કરી શકાય છે.