વોર ઓફ વાસેપુર: દેરાણીને જેઠાણીએ માત આપી, રોમાંચક રહ્યો ચૂંટણી જંગ

ઝારખંડમાં ભાજપને મોટો આંચકો મળ્યો છે. જેએમએમ, કોંગ્રેસ અને આરજેડી સરકાર બનાવવાની તૈયારીમાં છે. દરમિયાન જે બેઠક ચૂંટણીથી મતગણતરી સુધીની સૌથી વધુ ચર્ચામાં રહી તે ઝરિયા બેઠક છે. આ બેઠક પર સીધી ફાઈટ દેરાણી (ભાજપના ઉમેદવાર રાગિની સિંહ) અને જેઠાણી (કોંગ્રેસના ઉમેદવાર પૂર્ણિમા સિંહ) વચ્ચે રહી છે.

આ ચૂંટણી જંગમાં જેઠાણી પૂર્ણિમા સિંહ આગળ નીકળી ગયા છે અને વિજય તરફ કૂચ કરી રહ્યા છે. અનુરાગ કશ્યપની પ્રખ્યાત ફિલ્મ ગેંગ્સ ઓફ વાસેપુરમાં રામધીર સિંહનું પાત્ર આ કુટુંબના વડા અને બાહુબલી નેતા સૂર્યદેવસિંહના જીવન પર આધારિત હતું.

ધનબાદની ઝરિયા વિધાનસભા બેઠક પર બાહુબલી સૂર્યદેવસિંહની ‘સિંઘ મેન્શન’ (ધનબાદનું પ્રખ્યાત પરિવાર)નું વર્ચસ્વ છે. હાલમાં સંજીવસિંહ ભાજપની ટિકિટ પર અહીંના ધારાસભ્ય છે. સંજીવસિંહ તેમના પિતરાઇ ભાઇ નીરજ સિંહની હત્યાના મામલે જેલમાં બંધ છે.

ભાજપે આ બેઠક પર તેમની પત્ની રાગિની સિંહને ટિકિટ આપી હતી, જ્યારે કોંગ્રેસે નીરજ સિંહની પત્ની પૂર્ણિમા સિંહને મેદાનમાં ઉતાર્યા હતા. આવી સ્થિતિમાં દેરાણી અને જેઠાણી સામસામે આવી ગયા. ઝારખંડની ચૂંટણી પણ વાસેપુરમાં દેરાણી અને જેઠાણીના જંગને લઈ ભારે ચર્ચા ચાલી હતી.

કોયલા સિટી તરીકે ઓળખતા ઝરિયામાં દેવરાણી અને જેઠાણી વચ્ચેનો ચૂંટણી જંગ પણ રસપ્રદ રહ્યો. જોકે, જેઠાણી (કોંગ્રેસના ઉમેદવાર પૂર્ણિમા સિંહ) મતની ગણતરીમાં વિજય તરફ આગળ વધી ગયા છે.

2014ની વિધાનસભાની ચૂંટણીમાં જ્યાં ભાજપના ઉમેદવાર સંજીવસિંહે કોંગ્રેસના ઉમેદવાર નીરજ સિંહને ચૂંટણીમાં 34 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા. નીરજ અને સંજીવ બંને કોલાંચલના બાહુબલી પરિવારો સાથેના સંબંધમાં પિતરાઇ ભાઇ હતા. પાછળથી નીરજસિંહની હત્યા કરવામાં આવી હતી.