CAA: હિંસામાં સરકારી પ્રોપ્રર્ટીને નુકશાન, યુપી પોલીસે મોટી સંખ્યામાં દુકાનોને સીઝ કરી, જાણો આંકડો

ઉત્તર પ્રદેશમાં નાગરિકતા સુધારા કાયદા (CAA) 2019ના વિરોધમાં લોકો રસ્તા પર ઉતર્યા હતા. દેખાવકારોએ ઉત્તર પ્રદેશમાં અનેક જગ્યાએ હિંસા કરી હતી. જે બાદ હવે પોલીસે દેખાવકારોની ધરપકડ કરી રહી છે. દરમિયાન મુઝફ્ફરનગરની 80 દુકાનોને પોલીસે સીલ કરી દીધી છે. એસએસપીનું કહેવું છે કે દુકાનના માલિકોને નોટિસ મોકલી દેવામાં આવી છે અને નુકસાનના વળતરની વસૂલાત કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.

મુઝફ્ફરનગરના સિવિલ લાઇન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નજીક કેવલપુરીમાં શનિવારે બંને પક્ષો વચ્ચે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન બંને તરફથી પથ્થરો ફેંકવામાં આવ્યા હતા. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લાઠીઓ વિંઝીને તોફાનીઓને ભગાડ્યા હતા. તણાવને ધ્યાનમાં રાખીને ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

યુપીના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ સિંહે કહ્યું કે, “જે લોકો હિંસા કરે છે તેમને છોડવામાં આવશે નહીં. હિંસામાં બહારના લોકો સંડોવાયેલા છે. તેમણે આશંકા દર્શાવી હતી કે હિંસામાં એનજીઓ અને રાજકીયા પાર્ટીના લોકો પણ શામેલ હોઈ શકે છે. અમે કોઈ નિર્દોષની ધરપકડ કરીશું નહીં.”

હિંસક વિરોધ અંગે પોલીસ મહાનિર્દેશક ઓ.પી.સિંહે કહ્યું કે અત્યાર સુધીમાં 879 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ રાજ્યભરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ સાથે પીએસઈ અને રેપિડ એક્શન ફોર્સ પણ તૈનાત કરી દેવામાં આવી છે.

CAAના વિરોધ દરમિયાન થયેલી હિંસા અંગે ડીજીપી ઓપી સિંહે જણાવ્યું હતું કે આ અથડામણમાં 282 પોલીસ અધિકારીઓ ઘાયલ થયા છે. અત્યાર સુધીમાં 15 લોકોનાં મોત નીપજ્યાં છે. તેમણે સામાન્ય લોકોને રાજ્યમાં શાંતિ સ્થાપિત કરવામાં પોલીસની મદદ કરવા અપીલ કરી છે. ઓપી સિંહે કહ્યું કે રાજ્યમાં નુકસાનના વસૂલાત કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. જો તોફાનીઓ દંડ નહીં ચૂકવે તો તેમની મિલ્ક્તો જપ્ત કરવામાં આવશે.