PMની સ્કીલ ઈન્ડીયા સ્કીમ: ચાર વર્ષમાં 69 લાખ લોકોને ટ્રેનીંગ, પણ નોકરી મળી 15.4 લાખને

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી યોજના ‘સ્કીલ ઈન્ડીયા’નાં હાલ-હવાલ ખરાબ છે. 2016માં શરૂ કરાયેલી વડા પ્રધાન કૌશલ વિકાસ યોજના (PMKVY) અંતર્ગત 11 નવેમ્બર સુધીમાં 69.03 લાખ લોકોને ટ્રેનીંગ આપવામાં આવી હતી, પરંતુ આમાંથી માત્ર 15.4 લાખ લોકોને નોકરી મળી છે, એટલે કે 25 ટકાથી ઓછા લોકોને નોકરી મળી છે.

આશ્ચર્યજનક વાત એ છે કે આ 69 લાખ લોકોમાંથી ફક્ત 25 ટકા લોકોને વિદેશમાં નોકરી મળી છે. બીજી તરફ નોકરી મેળવનારા લોકોનો સરેરાશ પગાર દર મહિને માત્ર 7800 રૂપિયા છે. તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભાના સભ્ય મો. નદીમુલ હકે પૂછેલા પ્રશ્નના જવાબમાં સરકારે આ પ્રમાણે જવાબ આપ્યો છે.  નદીમુલ હકે સરકારને ‘સ્કીલ ઈન્ડિયા’ હેઠળ તાલીમ, પ્લેસમેન્ટ અને વિદેશી રોજગાર વગેરેના ડેટાની માંગ કરી હતી.

કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિક મંત્રાલયના રાજ્ય મંત્રી આર.કે.સિંઘ દ્વારા પૂરા પાડવામાં આવેલા આંકડા અનુસાર પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના (PMKVY) હેઠળ 11 નવેમ્બર-2019 સુધીમાં 38.1 લાખ લોકોને શોર્ટ ટર્મ ટ્રેનીંગ અને 31.2 લાખ લોકોને રેકગનાઈઝ ઓપ પ્રાયર લર્નીંગની ટ્રેનીંગ આપવામાં આવી હતી. પરંતુ ટ્રેનીંગ બાદ નોકરી માટેની સ્થિતિ કંગાળ છે. 69.03 લાખ લોકોમાંથી અંદાજે 25 ટકા લોકોને જ નોકરી મળી શકી છે.

સરકારના મતે PMKVY (2016-20) હેઠળ ટ્રેનીંગ લેતા ઉમેદવારોને રોજગાર અથવા વેતન આધારિત રોજગારી આપવામાં આવી રહી છે, જેમાં લઘુત્તમ વેતનની સમાન અથવા ન્યૂનતમ મજુરી વેતન આપવામાં આવે છે. પરંતુ સરકારે આપેલા ડેટા ચોંકાવનારા છે. સરકારના મતે PMKVY હેઠળના ઉમેદવારોનો દર મહિને સરેરાશ પગાર આશરે 7800 રૂપિયા છે. જે ઘણા રાજ્યોના લઘુત્તમ વેતન અથવા સમાન લઘુતમ વેતન કરતા ઓછો છે.

PM મોદીની આગેવાનીવાળી એનડીએ -1 સરકારે ઓક્ટોબર 2016માં જોરેશોરથી ‘સ્કીલ ઈન્ડિયા’ સ્કીમ શરૂ કરી હતી. આ યોજનાને વડા પ્રધાન મોદીની મહત્વાકાંક્ષી યોજના તરીકે નામ આપવામાં આવ્યું હતું અને દાવો કરવામાં આવ્યો હતો કે આ યોજના હેઠળ તાલીમ લીધા પછી યુવાનોને તમામ ક્ષેત્રે મોટા પાયે રોજગાર મળશે, પરંતુ શરૂઆતથી જ આ યોજના લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે ખોંડગાતી ચાલી રહી છે.

1200 કરોડના બજેટથી શરૂ કરાયેલી યોજના અંતર્ગત 2016-20 સુધીમાં એક કરોડ યુવાનો યુવાનોને તાલીમ આપવાનું લક્ષ્યાંક છે, પરંતુ તાલીમની ગતિ ધીમી છે, નોકરીની સ્થિતિ તેના કરતા પણ ખરાબ છે.