મોદી સરકાર NPR તરફ આગળ વધી રહી છે, કેબિનેટ આપી શકે છે મંજુરી, શું છે NPR, જાણો…

મોદી સરકાર નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (NPR) તરફ આગળ વધી રહી છે. સૂત્રો જણાવી રહ્યા છે કે આગામી સપ્તાહે મંગળવારે યોજાનારી મંત્રીમંડળની બેઠકમાં NPR અને વસ્તી ગણતરીના અપડેટને મંજૂરી આપી શકાય છે.

નાગરિકત્વ સુધારો અધિનિયમ (CAA) અને નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન (NRC) ને લઈને દેશવ્યાપી આક્રોશ વચ્ચે મોદી સરકાર નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (NPR) તરફ આગળ વધી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે પણ આ માટે મંત્રીમંડળ પાસેથી 3,941 કરોડ રૂપિયાની માંગ કરી છે.NPRનો ઉદ્દેશ દેશના સામાન્ય રહેવાસીઓનો એક વ્યાપક ઓળખ ડેટાબેસ બનાવવાનો છે. આ ડેટામાં ડેમોગ્રાફિક્સની સાથે બાયમેટ્રિક માહિતી પણ હશે.

જોકે, CAA અને NRCનો બિન-ભાજપ શાસિત રાજ્યો પણ તેનો વિરોધ કરી રહ્યા છે અને પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી મોખરે છે. CAA અને NRC લઈને મોદી સરકાર વિરુદ્ધ મોરચો ખોલનાર મમતા બેનર્જીએ બંગાળમાં NPRનું કામ પણ બંધ કરી દીધું છે.

આ સિવાય કેરળની ડાબેરી સરકારે પણ NPR સંબંધિત તમામ કાર્યવાહી બંધ કરવાનો આદેશ આપ્યો છે. મુખ્ય પ્રધાન કચેરી દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે સરકારે NPRને મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે કારણ કે તેના દ્વારા NRC લાગુ કરવામાં આવશે તેવી આશંકા છે.

શું છે NPR?

NPR એ દેશના તમામ સામાન્ય રહેવાસીઓનો દસ્તાવેજ છે અને નાગરિકત્વ અધિનિયમ 1955ની જોગવાઈઓ હેઠળ સ્થાનિક, પેટા-જિલ્લા, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે તૈયાર કરવામાં આવે છે. કોઈપણ રહેવાસી કે જે 6 મહિના કે તેથી વધુ સમયથી સ્થાનિક વિસ્તારમાં રહે છે, તેણે ફરજિયાત રીતે NPRમાં નોંધણી કરાવવી આવશ્યક છે. વર્ષ 2010થી સરકારે દેશના નાગરિકોની ઓળખના ડેટાબેઝને એકત્રિત કરવા માટે તેની શરૂઆત કરી. તેને સરકારે 2016માં બહાર પાડ્યું હતું.