CAAનો વિરોધ: UPમાં વધ્યો મોતનો આંકડો, અત્યાર સુધી 11 લોકોનાં ગયા જાન

નાગરિકતા સુધારા કાયદા વિરુદ્વ દેશભરમાં  દેખાવો દરમિયાન હિંસા ચાલુ છે. ઉત્તર પ્રદેશના દોઢ ડઝન શહેરોમાં વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસા થઈ છે. યુપીની આ હિંસામાં અત્યાર સુધીમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા છે.

કથળતી પરિસ્થિતિને જોઇને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શાંતિ માટે અપીલ કરી છે, જ્યારે રાજકીય પક્ષો પર પણ આ આગ ભડકાવવાનો આરોપ મૂકયો છે. પશ્ચિમ-ઉત્તર પ્રદેશમાં હિંસાની સૌથી વધુ ઘટનાઓ નોંધાઈ છે. જૂમ્માની નમાઝ બાદ લોકો બુલંદ શહેરથી મેરઠ, હાપુર, બિજનોર, મુઝફ્ફરનગર અને સહારનપુર સુધી રસ્તાઓ પર ઉતરી ગયા હતા.

ઉત્તર પ્રદેશમાં મોટાભાગના સ્થળોમાં દેખાવો શાંતિપૂર્ણ રહ્યા ન હતા. પથ્થરમારો, આગજનીના બનાવો બન્યા હતા. હિંસક પ્રદર્શન દરમિયાન અત્યાર સુધી 11 લોકોનાં મોતની પુષ્ટિ થઈ હોવાનું ન્યૂઝ ચેનલે જણાવ્યું છે, જેમાં ફિરોઝાબાદ, બિજનોર અને કાનપુરમાં બે, મેરઠમાં ચાર અને સંભાલમાં એકનાં મોતની પૃષ્ટિ કરવામાં આવી છે.

કાનપુરમાં 13 પ્રદર્શનકારીઓ અને 18 પોલીસકર્મીઓને ઈજા પહોંચી છે. ફિરોઝાબાદમાં 20 દેખાવકારો અને 70 જેટલા પોલીસ જવાન ઘાયલ હોવાનું કહેવાઈ રહ્યું છે. મેરઠમાં 12 પ્રદર્શનકારીઓ અને 6 પોલીસકર્મી ઘાયલ થયા છે, જ્યારે બિજનોરમાં ત્રણ દેખાવકારો અને 8 પોલીસકર્મી ઘાયલ થયા છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું ગોરખપુર શહેર હિંસક ઘટનાઓથી બચી શક્યું નથી. નાગરિકત્વ કાયદાની વિરુદ્ધ રસ્તા પર ઉતરનારા લોકોએ પોલીસ પર ભારે પથ્થરમારો કર્યો હતો. હિંસકને બનેલા ટોળાને કાબૂમાં લેવું પોલીસ માટે મુશ્કેલ બન્યું હતું. ઉત્તર પ્રદેશના ઘણા શહેરોમાં નાગરિકત્વ કાયદાનો વિરોધ જોવા મળી રહ્યો છે. લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને વિરોધ દરમિયાન હિંસા થઈ હતી. પોલીસ અને દેખાવકારો સામ સામે આવી ગયા હતા.

ઉત્તર પ્રદેશના અનેક શહેરોમાં હિંસક પ્રદર્શન બાદ રાજ્યમાં હાઈ એલર્ટ છે. આજે રાજ્યની તમામ શાળાઓ અને કોલેજો બંધ છે. તેમજ સીએમ યોગીએ વિરોધ કરી રહેલા લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે.