CAAની આગમાં યુપીના અનેક શહેરો હોમાયા, કાનપુરમાં 11ને ઈજા, પોલીસ ફાયરીંગ, બિજનોરમાં એકનું મોત, આઠ પોલીસને ઈજા

નાગરિક્તા સંશોધન એક્ટ વિરૃદ્ધ દેશભરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં આજે યુપીના અનેક શહેરો હોમાયા હતા. ખાસ કરીને લખનૌમાં પોલીસ અને દેખાવકારો વિરુદ્વ સીધી અથડામણ જોવા મળી હતી. જેમાં કાનપુરમાં 11ને ઈજા પહોંચી હતી. પોલીસ ફાયરીંગમાં અનેક લોકો ઈજા પામ્યા હોવાના અહેવાલ છે. જ્યાર બિજનોરમાં પોલીસ ફાયરીંગમાં એકનું મોત અને આઠ જેટલા પોલીસવાળાને ઈજા પહોંચી હોવાના અહેવાલ મળી રહ્યા છે.

દિલ્હીથી લઈને મુંબઈ અને લખનૌથી લઈને બેંગલુરૃ સુધી પ્રદર્શનકારીઓ આ કાયદાના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા છે. ગુરુવારે આ જ વિરોધ પ્રદર્શનના કારણે લખનૌમાં એક અને મેંગલોરમાં બે લોકોના મોત થયા છે.

આજે ફરી દેશના ઘણાં હિસ્સામાં નાગરિક્તા કાયદાના વિરોધમાં દેખાવો થવાની શક્યતા છે. ગઈકાલે લખનૌમાં થયેલી હિંસામાં પોલીસે કાર્યવાહી કરી છે અને અત્યાર સુધી કુલ 150 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 19 એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદ, લખનૌ, સંભલ, અલીગઢ, મેરઠ, સહારનપુર બરેલી, આગરા, પીલીભીત, પ્રયાગરાજ, મઉ, આઝમગઢ, ફિરોઝાબાદ અને હમીરપુરમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.

કર્ણાટકના બેંગલુરૃમાં આજે પણ સીએએના વિરોધ પ્રદર્શન ચાલુ છે. આજે પણ પોલીસ તરફથી કલમ 144 લાગુ કરવામાં આવી છે. નોંધનીય છે કે, ગુરુવારે પણ કર્ણાટકમાં ઘણો વિવાદ થયો હતો. મેંગલોરમાં દેખાવા દરમિયાન બે વ્યક્તિના મોત થયા છે. નાગરિક્તા કાયદાના વિરોધ પ્રદર્શનના કારણે ઘણી એરલાઈન્સના ક્રૂ મેમ્બર્સને એરપોર્ટ સુધી પહોંચવામાં તકલીફ થઈ રહી છે. આ જ કારણથી ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (આઈજીઆઈ) થી અમુક ફ્લાઈટને અસર થઈ રહી છે. એરપોર્ટ પ્રશાસન તરફથી શુક્રવારે સવારે જ આ માહિતી આપવામાં આવી છે. અધિકારીઓએ કહ્યું છે કે, ધુમ્મસના કારણે પણ વિઝિબિલિટી ઓછી છે, પરંતુ ફ્લાઈટ ચાલું છે.

હરિયાણા બોર્ડર પર બેરિકેડના કારણે દિલ્હી-ગુડગાંવ એક્સપ્રેસવે પર 10 કિ.મી. સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો. તેમાં ઘણાં એરલાઈન્સના ક્રૂ મેમ્બર્સ ફસાઈ ગયા હતાં. તેના કારણે 16 ફ્લાઈટ ડિલે થઈ છે. ઈન્ડિગોએ 19 ફ્લાઈટ રદ કરવી પડી હતી.