નાગરિકતા કાયદોઃ મનમોહનસિંહે કર્યું હતું નાગરિક્તા કાયદાની તરફેણ, ભાજપે વીડિયો રિલીઝ કર્યો

નાગરિકતા સંશોધન બિલ સામે કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો વિરોધ કરવા માટે ઉતર્યા છે ત્યારે ભાજપે કોંગ્રેસના નેતા અને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનો એક વિડિયો રિલિઝ કર્યો છે. જેમાં મનમોહનસિંહ બાંગ્લાદેશમાં ધાર્મિક આધાર પર હિંસાનો શિકાર બનેલા શરણાર્થીઓ માટે સરકારને સહાનૂભૂતિપૂર્વક વિચારવા માટે અપીલ કરતા નજરે પડે છે.

આ વિડિયો 2003નો છે.તે વખતે કેન્દ્રમાં વાજપેયી સરકાર હતી અને કોંગ્રેસ વિરોધ પક્ષમાં હતો. તે વખતે રાજ્યસભામાં મનમોહન સિંહ વિપક્ષના નેતા હતા. મનમોહનસિંહે રાજ્યસભામાં તત્કાલીન નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને સંબોધન કરતા કહ્યુ હતુ કું, હું શરણાર્થીઓનુ સંકટ તમારી સામે લાવવા માંગુ છું. ભાગલા બાદ આપણા પાડોશી દેશ બાંગ્લાદેશમાં ધાર્મિક આધાર પર નાગરિકો પર અત્ચાચાર થયા છે. આ ભોગ બનેલા લોકો આપણા દેશમાં જો શરણ માટે આવતા હોય તો તેમને શરણ આપવાની આપણી ફરજ બને છે.

મનમોહનસિંહે તે વખતે કહ્યુ હતુ કે, આપણો વ્યવહાર આ લોકો માટે ઉદાર હોવો જોઈએ. હું બહુ ગંભીરતાથી નાગરિકતા સંશોધનના કાયદા તરફ તમારુ ધ્યાન દોરવા માંગુ છું.

ભાજપે આ વિડિયો સોશ્યલ મીડિયા પર શેર કર્યો છે. આ મુદ્દે રાજકીય ઘમાસાણ નિશ્ચિત મનાઈ રહ્યુ છે. કારણકે હવે કોંગ્રેસ બિલમાં ધાર્મિક આધાર પર પાડોશી દેશોના લઘુમતિ નાગરિકોને નાગરિકતા આપવાનો વિરોધ કરી રહ્યો છે.