સુપ્રીમ કોર્ટનો મોટો ચૂકાદો: રદ્દ નહીં થાય નિર્ભયાનાં ગુનેગારની ફાંસી, અક્ષયની અરજી ફગાવાઈ

સુપ્રીમ કોર્ટે નિર્ભયા કેસમાં મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે ચાર દોષિતોમાંથી એક અક્ષયની સમીક્ષા અરજી નામંજૂર કરી છે. કોર્ટે કહ્યું છે કે બચાવ પક્ષ દ્વારા કરવામાં આવેલી દલીલોની સુનાવણી અગાઉ થઈ ચૂકી છે અને અરજીમાં ઉભા કરાયેલા મુદ્દાઓ અંગે કોઈ આધાર મળ્યો નથી. એમ કહીને સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેન્ચે પોતાનો ચુકાદો આપ્યો છે. અદાલતના આ નિર્ણય પછી દોષી સામે ડેથ વોરન્ટ ઈશ્યુ કરવામાં આવે તેવી સંભાવના છે.

ચુકાદો આપતી વખતે જસ્ટીસ ભાનુમતીએ કહ્યું કે સુનાવણી અને તપાસ સાચી છે અને તેમાં કોઈ ખામી નથી. જો મૃત્યુદંડનો પ્રશ્ન છે, તો કોર્ટે બચાવ પક્ષને સંપૂર્ણ તક આપી છે. જસ્ટીસે કહ્યું કે અરજીમાં અમને કોઈ આધાર મળ્યો નથી. આ રીતે અક્ષયની પુનર્વિચાર અરજીને નકારી કાઢવામાં આવી હતી.

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ નિર્ભયા કેસની સમીક્ષા અરજી પર દલીલો શરૂ કરી હતી. તુષાર મહેતાએ કહ્યું હતું કે ફેરવિચારણા અરજીને રદ કરવી જોઈએ. આ કેસમાં નીચલી અદાલત, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે, આ કેસમાં આ અરજીને પણ ફગાવી દેવી જોઈએ.

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે આ કેસ ફાંસીનો યોગ્ય કેસ છે, કારણ કે તે માનવતા વિરુદ્ધ હુમલો હતો. તેમણે કહ્યું કે આ કેસમાં વિલંબ કર્યા વિના તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ. તેમજ તુષાર મહેતાએ એમ પણ કહ્યું હતું કે દોષી કોઈ સહાનુભૂતિ મેળવવાનો હકદાર નથી, તેને મૃત્યુ દંડ મળવો જોઈએ.