ભારત-પાકિસ્તાન બોર્ડર પર સ્ફોટક સ્થિતિ છે? આર્મી ચીફ રાવતનું મોટું નિવેદન, જાણો શું કહ્યું તેમણે

પાકિસ્તાન સાથે એલઓસી પર ગમે ત્યારે સ્થિતિ બગડી શકે છે. આર્મી ચીફ જનરલ બિપિન રાવતે આ અંગે આશંકા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે ભારતીય સૈન્ય આવી કોઇ પણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે.

ઓગસ્ટમાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-37૦ હટાવ્યા બાદ સરહદ પર પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામ ભંગની ઘટનાઓ વચ્ચે જનરલ રાવતનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે એલઓસી પરની પરિસ્થિતિ કદી પણ વણસી શકે છે. આપણે પરિસ્થિતિઓનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.

આ પહેલા મંગળવારે ટીવી ચેનલના કાર્યક્રમમાં સેના પ્રમુખે કહ્યું હતું કે પાકિસ્તાનને કાબૂમાં રાખવાની જરૂર નથી. સેના પ્રમુખે કહ્યું કે પાકિસ્તાન એક એવો દેશ છે જે પોતે જ સમાપ્ત થવાની દિશામાં આગળ વધી રહ્યો છે.

જનરલ રાવતે કહ્યું કે, પાકિસ્તાનની પરિસ્થિતિ એવી છે કે તે જાતે જ અનિયંત્રિત થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, ‘પાકિસ્તાનને કાબૂમાં રાખવાની જરૂર નથી. તે જાતે જ નિયંત્રિત થઈ રહ્યું છે અને કદાચ આપણે કોઈ પગલા લેવાની જરૂર નહીં પડે. ખુદ જ સમાપ્ત થવાના રસ્તા પર છે.’