કાંદાનું કિસ્મત કનેક્શન: ડૂંગળીના કારણે એક ખેડુત આવી રીતે રાતોરાત બની ગયો કરોડપતિ

એક તરફ ડૂંગળા-ડૂંગળી લોકોને રડાવી રહ્યા છે બીજી તરફ ડૂંગળીએ કેટલાકની કિસ્મત બદલી નાંખી છે.  ડૂંગળીના ભાવ સતત વધી રહ્યા છે, ત્યારે કર્ણાટકનો ખેડૂત રાતોરાત કરોડપતિ બની ગયો છે. હા, આ વાત સાચી છે. કર્ણાટકના  ચિત્રદુર્ગ જિલ્લાના ડોડ્ડા સિદ્વવાનહલ્લીના રહેવાસી મલ્લિકાર્જુનની કિસ્મત અચાનક ચમકી ગઈ. ડુંગળીના ભાવ વધ્યા અને એક મહિનામાં જ મલ્લિકાર્જુન દેવાદારમાંથી કરોડપતિ બની ગયો. એટલું જ નહીં મલ્લિકાર્જુન હવે આસપાસના ખેડુતો માટે રોલ મોડેલ બની ગયો છે અને લોકો તેની પાસેથી ખેતીની યુક્તિઓ શીખવા માટે આવી રહ્યા છે. તે હવે ખેત ગુરુ બની ગયો છે.

42 વર્ષીય મલ્લિકાર્જુને લોન લઈને ડુંગળીની ખેતી કરી હતી. મલ્લિકાર્જુન કહે છે, ‘આ અત્યાર સુધીનું સૌથી મોટું જોખમ હતું. પાક ખરાબ થઈ ગયો હોત અથવા ભાવ ઘટ્યા હોત તો હું ખરાબ રીતે ફસાઈ ગયો હોત. પરંતુ આ ડુંગળીએ મારા પરિવારનું ભાગ્ય બદલી નાખ્યું છે.

મલ્લિકાર્જુને 240 ટન ડુંગળી (આશરે 20 ટ્રક)ના બમ્પર પાકનું ઉત્પાદન કર્યું છે. આ એવી સ્થિતિમાં બન્યું છે કે જ્યારે ડુંગળીનો ભાવ પ્રતિ કિલો 200 રૂપિયા જેટલો હતો ત્યારે તેને આના કારણે ઘણો ફાયદો થયો. જોકે, જ્યારે તેણે 15 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું, ત્યારે તેને આશા વ્યક્ત કરી હતી કે 5-10 લાખ રૂપિયાનો નફો થશે. જોકે, ડુંગળીના વધેલા ભાવોએ તેમને અનેકગણો લાભ આપ્યો છે.

મલ્લિકાર્જુન હવે બેંગ્લોરથી 200 કિલોમીટર દૂર ચિત્રદુર્ગામાં ખેતી ક્ષેત્ર માટે એક સેલિબ્રિટી બની ગયો છે. તેની ખ્યાતિ ગામે ગામ પહોંચી ગઈ છે. તમામ ખેડુતોએ તેને આદર્શ તરીકે સ્વીકારવાનું શરૂ કર્યું છે. તે કહે છે, ‘મેં મારું દેવું ચૂકવ્યું છે. હવે મારે એક સુંદર ઘર બનાવવાની યોજના છે. આ સાથે, હું ખેતીના વિસ્તરણ માટે વધુ જમીન ખરીદવા માંગું છું.

10 એકર જમીન ધરાવતા મલ્લિકાર્જુને ડુંગળી ઉગાડવા માટે 10 એકર જમીન લીઝ પર લીધી હતી. તેમજ આશરે 50 કામદારો પણ રાખ્યા હતા. મલ્લિકાર્જુન 2004થી વરસાદની સીઝનમાં ડુંગળી ઉગાડતો હતો.

મલ્લિકાર્જુનની મહેનત અને ભાગ્ય નિશ્ચિતરૂપે આ વખતે તેને કરોડપતિ બનાવ્યો છે. પરંતુ, આ યાત્રા એટલી સરળ નહોતી. ગયા વર્ષે તેનો નફો લગભગ પાંચ લાખ રૂપિયા હતો. મલ્લિકાર્જુન કબૂલ કરે છે કે નફો તેના પરિવારના ખર્ચ પૂરા કરવા માટે પૂરતો છે, પરંતુ તે વધારાની જમીન ભાડે લીધી હતી અને 20 લાખ રૂપિયાની લોન પણ લીધી હતી. કમનસીબે, તેને પણ મોટું નુકસાન થયું. જોકે, તેણે હાર માની નહીં અને પાંચ લાખ રૂપિયાની બચત સાથે ડુંગળીની ખેતી ફરી શરૂ કરી અને આ વખતે તેનું નસીબ ઝળકી ગયું. આને કહેવાય કાંદાનું કિસ્મત કનેક્શન.