ઉન્નાવ રેપ પીડિતાના પરિવારજનોને મળતા પ્રિયંકા ગાંધી, એક વર્ષથી પરિવાર પર અત્યાચાર કરાતો હતો

ઉન્નાવ રેપ કેસમાં પીડિતાની મોત બાદ યુપીનો રાજકીય પારો ગરમાયો છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી શનિવારે બપોરે ઉન્નાવમાં પીડિતોના પરિવારજનોને મળવા પહોંચી હતી. પ્રિયંકા ગાંધીએ બંધ રૂમમાં પીડિત પરિવાર સાથે વાતચીત કરી હતી. મુલાકાત બાદ પ્રિયંકાએ કહ્યું કે એક વર્ષથી પીડિતાના પરિવાર પર અત્યાચાર ગુજારવામાં આવતો હતો. ઘરમાં તોડફોડ, મારપીટ અને ખેતરોમાં આગ લગાડી દેવામાં આવ્યો હતો. યોગી સરકાર પીડિતાને રક્ષણ આપવામાં સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે.

આ સમય દરમિયાન, મોટી સંખ્યામાં પોલીસ દળ પીડિતાના ઘરની બહાર હતો. પ્રિયંકા સાથે યુપી કોંગ્રેસ અધ્યક્ષ અજયકુમાર લલ્લુ અને વરિષ્ઠ નેતાઓ પ્રમોદ તિવારી અને અન્નુ ટંડન પણ હતા. દરમિયાન, પીડિતાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ પૂર્ણ થઈ ચૂક્યું છે અને તેને માર્ગ દ્વારા દિલ્હીથી ઉન્નાવ લાવવામાં આવી રહ્યો છે.

પ્રિયંકાએ ઘરની બહાર બેઠેલા પીડિતાના પિતાની સાથે હાથ મિલાવ્યા, ત્યારબાદ તે મહિલા સંબંધીનો હાથ પકડીને ઘરની અંદર ગયા હતા. આખું ગામ પીડિતાના ઘરની બહાર ધસી ગયું હતું. પીડિતાની મોત બાદ પ્રિયંકા ગાંધીએ પોતાના ઓફિશિયલ ટવિટર હેન્ડલ દ્વારા ટવિટ કરીને યોગી સરકાર પર પ્રહાર કર્યા હતા.

 

પ્રિયંકાએ ટવિટ કર્યું, ‘હું ભગવાનને પ્રાર્થના કરું છું કે ઉન્નાવ પીડિતાના પરિવારને આ દુખની ઘડીમાં ઈશ્વર હિંમત આપે. તે આપણા બધાની નિષ્ફળતા છે કે અમે તેને ન્યાય આપી શક્યા નહીં. સામાજિક રીતે, આપણે બધા દોષી છીએ, પરંતુ તે ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેટલી ખરાબ થઈ છે તે પણ દર્શાવે છે.

તેમણે આગળ લખ્યું કે, ‘ઉન્નાવની પાછલી ઘટનાને ધ્યાનમાં રાખીને સરકારને પીડિતાને તાત્કાલિક સુરક્ષા કેમ આપવામાં આવી નહીં? જે અધિકારીએ તેની એફઆઈઆર નોંધવાની ના પાડી તેના પર શું કાર્યવાહી કરવામાં આવી? યુપીમાં દરરોજ મહિલાઓ પર થતા અત્યાચારને રોકવા માટે સરકાર શું કરી રહી છે? ‘