PNB કૌભાંડ કેસઃ મુંબઈની સ્થાનિક કોર્ટે નિરવ મોદીને ભાગેડુ જાહેર કર્યો

પંજાબ નેશનલ બેન્કના કરોડો રૂપિયાના કૌભાંડ કેસના મુખ્ય આરોપી નિરવ મોદીને મુંબઈની પીએમએલએ કોર્ટે ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કર્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની એક અરજી પર સુનવણી કરતા કોર્ટે આ ચુકાદો આપ્યો હતો. આ સાથે ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં અમલી બનેલા ભાગેડુ આર્થિક ગુનેગારોને લગતા નવા કાયદાની વિવિધ જોગવાઈ હેઠળ વિજય માલ્યા બાદ ભાગેડુ આર્થિક અપરાધી તરીકે જાહેર થયેલી આ બીજી કારોબારી વ્યક્તિ છે.

નિરવ મોદી હાલમાં લંડનમાં છે અને પંજાબ નેશનલ બેન્કના આશરે ૧૩ હજાર કરોડના કૌભાંડમાં ફરાર છે. આ સાથે અદાલત દ્વારા આર્થિક અપરાધી જાહેર થતા હવે તેની સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે. પીએનબી કૌભાંડના આરોપી નિરવ મોદીની ૧૯મી માર્ચના રોજ હોલબોર્નથી ધરપકડ કરવામાં આવી હતી. નિરવ મોદી અને તેના કાકા મેહુલ ચોક્સી સામે રૂપિયા ૧૩,૫૦૦ કરોડની છેતરપિંડી આચરવાનો આરોપ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને સીબીઆઈ આ કેસની તપાસ કરી રહ્યા છે. નિરવ મોદી પર ભાગેડુ આર્થિક અપરાધી અધિનિયમ અંતર્ગત પણ આરોપ લાગ્યા છે.