મહારાષ્ટ્રના મહાસંગ્રામ બાદ ગોવા, બિહાર અને પંજાબમાં થશે રાજકીય ધીંગાણું?

મહારાષ્ટ્રના ઘટનાક્રમ પછી દેશના અન્ય રાજ્યોમાં શરૃ થયેલી હિલચાલ જોતા અન્ય કેટલાક રાજ્યોમાં પણ થોડા સમયમાં નવા-જૂનીના એંધાણ વર્તાઈ રહ્યાં હોવાનું તારણ વિશ્લેષકો કાઢી રહ્યાં છે. અત્યારે ઝારખંડ વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે, અને ત્યાં પ્રચારના મુદ્દાઓ આ વખતે બદલી રહ્યાં છે. હવે રામ મંદિરને કલમ-370ના મુદ્દા થોડા અલગ રીતે રજૂ થઈ રહ્યાં છે.

આ પહેલા મંદિર બનાવવાનો વાયદો થતો હતો, હવે સુપ્રિમકોર્ટના નિર્ણય પછી આ મુદ્દો છીનવાઈ ગયો છે, પરંતુ હવે શ્રી રામ વનવાસીઓ સાથે ૧૪ વર્ષ રહ્યાં હતાં, અને કલમ-370 નાબૂદ કરી તેની સામે દેશમાંથી કોણે કોણે વિરોધ વ્યક્ત કર્યો હતો, તેની વાતો ચૂંટણી પ્રચારમાં એનડીએ તરફથી થઈ રહી છે, જ્યારે બીજી તરફ કોંગ્રેસ અને અન્ય વિપક્ષો મંદી, મોંઘવારી, બેરોજગારી અને મોદી સરકારની વિવિધ ક્ષેત્રે નિષ્ફળતાઓને લઈને ભાજપ પર પ્રહારો કરી રહ્યાં છે.

ઝારખંડમાં વિચિત્ર રાજકીય સ્થિતિ છે. કેટલાક પક્ષો એનડીએમાં અન્ય રાજ્યોમાં સામેલ છે, તેઓ ઝારખંડમાં ભાજપ સામે જ લડી રહ્યાં છે. ભાજપે આ વખતે ગત્ ચૂંટણીમાં કરેલું ગઠબંધન પણ તોડી નાંખ્યું છે. કેટલાક સ્થળે “ફ્રેન્ડલી ફાઈટ” પણ થઈ રહી છે.

રાજકીય વિશ્લેષકોના તારણો મુજબ તો એનડીએમાંથી હવે કેટલાક સાથી પક્ષો નીકળી ગયા છે, જ્યારે કેટલાક પક્ષો નીકળવાની તૈયારીમાં છે. મહારાષ્ટ્રમાં શિવસેનાએ એન.ડી.એ. છોડ્યા પછી, બિહાર સહિતના અન્ય રાજ્યોમાં પણ ભાજપ સામે અન્ય પક્ષોએ એકજૂથ થવું જોઈએ. તેવો કોન્સેપ્ટ ફેલાઈ રહ્યો છે. બિહારમાં તો આરજેડીના એક વરિષ્ઠ નેતાએ જે.ડી.યુ. સાથે ગૂપચૂપ થતી વાટાઘાટોના સંકેતો પણ આપી દીધા હતાં.

રાજકીય પંડિતોના મતે રાજકારણમાં ઉપર-ઉપર દેખાતું હોય, તેવું અંદરથી હોતું નથી. પાછલા બારણેથી થતી વાટાઘાટો જાહેર ન કરવી જોઈએ, તેવી પરંપરા છતાં હવે રાજનેતાઓ ઘણી વખત પાટલી બદલવાના હેતુથી કે પછી પોતાના પક્ષની મજબૂતી બતાવવા આવી વાતચીત જાહેર કરી દેતા હોય છે, એટલે જ શરદ પવારે એવું જાહેર કર્યુ છે કે, ખુદ પીએમ મોદીએ સાથે કામ કરવાની વાત કરી હતી, પરંતુ તેમણે (પવારે) નમ્રતાપૂર્વક ઈન્કાર કર્યો હતો. અને ભાજપ કરતા શિવસેના સાથે કામ કરવું સરળ હોવાની વાત કરી, તે ઘણી સૂચક છે હવે એનડીએમાંથી નવા ક્યા પક્ષો નીકળી જાય છે, તે જોવાનું રહે છે.

બિહારમાં નીતિશકુમારના નેતૃત્વમાં એનડીએ મજબૂત છે, તેવું જાહેર કર્યુ છે, પરંતુ હકીકતમાં “બેક ડોર” વાતચીતો થતી રહેતી હોય છે, તેથી હવે જેડીયુ ક્યારે નવો ધડાકો કરે છે, તેની રાહ જોવાઈ રહી હોવાના તારણો નીકળી રહ્યાં છે.

મહારાષ્ટ્રમાં પણ એનડીએ સાથે રહેલા નાના પક્ષો અને અપક્ષો હવે પવન પ્રમાણે સઢ ફેરવે તો નવાઈ જેવું નહીં હોય, પંજાબમાં કોંગ્રેસે પણ ચેતવા જેવું છે. કારણ કે નવજ્યોતસિંહ સિધ્ધુ અને આમઆદમી પાર્ટી મળીને કાંઈક નવાજૂની કરી શકે છે, તેમ રાજકીય પંડિતો માને છે.

પંજાબમાં અકાલીદળને ઓછું આંકીને ભાજપ ભૂલ કરી રહ્યું છે. જો અકાલીદળ સાથેનું પંજાબમાં ગઠબંધન તૂટી જાય, તો ત્યાં ભાજપ એકલા હાથે ક્યારેય જીતી શકે તેમ નથી. છત્તીસગઢ, ઝારખંડ, મહારાષ્ટ્ર, ગોવા સહિતના રાજ્યોમાં ભાજપે કેટલાક નાના સાથી પક્ષોને તરછોડ્યા પછી હવે મોટા પ્રાદેશિક પક્ષો પણ ધીમે-ધીમે સાથ છોડી રહ્યાં છે. તે કદાચ અતિ આત્મવિશ્વાસ, એકચક્રીય સત્તા ભોગવવાની માનસિકતા કે ઘમંડ હોઈ શકે છે, તેવું તારણ વિશ્લેષકો કાઢી રહ્યાં છે. વિશ્લેષકોના મતે મહારાષ્ટ્રમાં તો પંકજા મુંડેએ ફેસબુક પોસ્ટ અંગે ચોખવટ કરીને ભાજપની આબરૃ બચાવી લીધી છે, પરંતુ એથી એ પૂરવાર થઈ ગયું કે, ભાજપમાં આંતરિક અસંતોષ પણ ધૂંધવાઈ રહ્યો છે. ડૂબતા વહાણમાં કોઈ બેસી રહેતું નથી અને સલામત નાવ કે વહાણમાં સૌ કૂદી જતા હોય છે.