IPL નીલામી: ખેલાડીઓનો રાફડો ફાટ્યો, 73 જગ્યા માટે 971 એન્ટ્રી

ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલની 13મી સિરીઝ માટે નીલામી થવા જઈ રહી છે જેમાં કુલ 971 ખેલાડીઓની નોંધણી કરવામાં આવી છે. નોંધણીની છેલ્લી તારીખ 30 નવેમ્બર 2019 હતી. હવે આ મહિને 19 તારીખે કોલકત્તામાં નીલામી કરવામાં આવશે.

નીલામીમાં કુલ 73 ખેલાડીઓ માટે જગ્યા છે જેમાં 215 આંતરરાષ્ટ્રીય સ્તર પર રમી ચુકેલા ખેલાડીઓ ભાગ લેશે. તો આંતરરાષ્ટ્રીય સ્તરે હવે ન રમતા ખેલાડીઓ 754ના નામ નોંધવામાં આવ્યા છે. આ સિવાય બે ખેલાડી એસોસિએટ નેશનના છે.

ભારતના કુલ 19 એવા ખેલાડીઓનું નામ નોંધવામાં આવ્યુ છે જે આંતરરાષ્ટ્રીય સ્તર પર રમી ચુક્યા છે. જ્યારે 634 એવા ભારતીય ખેલાડીઓનું નામ નોંધાયેલ છે જેમણે આંતરરાષ્ટ્રીય સ્તર પર ડગલું પણ નથી માંડ્યુ. સાથે 60 એવા ભારતીય ખેલાડીઓ છે જેઓ આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્યારેય મેદાનમાં નથી ઉતર્યા. જો કે આ ખેલાડીઓ એક એક આઈપીએલની મેચ જરૂરથી રમ્યા છે.

વિદેશી ખેલાડીઓની વાત કરીએતો આંતરરાષ્ટ્રીય સ્તર પર રમી ચુકેલા 196 વિદેશી ખેલાડીઓ આઈપીએલની 13મી શૃંખલા માટે નામ નોંધાવી ચુક્યા છે. 60 એવા વિદેશી ખેલાડીઓ છે જે આજ સુધી આંતરરાષ્ટ્રીય સ્તર પર રમ્યા નથી. હ્યુઝ એડમેડસ નીલામી કરાવશે.