રૂપાણી સરકારનો મહત્વનો આદેશ: હવે હેલ્મેટ નહીં પહેર્યું હોય તો પણ પોલીસ પકડશે નહીં

ગુજરાત સરકારે કેબિનેટમાં મહત્વનો નિર્ણય લીધો છે. વાહન વ્યવહાર-કૃષિ પ્રધાન આર.સી ફળદુએ જણાવ્યું કે, આજથી રાજ્યના શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવું મરજિયાત કરવામાં આવ્યુ છે. હેલ્મેટ અંગે રાજ્યમાંથી અનેક રજૂઆત આવી હતી. જે બાદ કેબિનેટમાં આ મામલે મહત્વનો નિર્ણય આપ્યો છે. સરકારની જાહેરાત બાદ અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા સહિતના મહાનગરોમાં હેલ્મેટ પહેરવું મરજિયાત થયું છે.

વાહન વ્યવહાર અને કૃષિ મંત્રી આરસી ફળદુએ વધુમાં જણાવ્યુ કે,  માર્ગ અકસ્માતમાં હેડ ઈન્જરીને કારણે અનેક લોકોના મોત થાય છે.  આ કારણોસર હેલ્મેટ ફરજીયાત કરાયું હતું. આ મામલે જે રીતે ઉગ્ર રજૂઆત કરવામાં આવતી હતી તે બાદ સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે, હાઈવે પર હેલ્મેટ ફરજિયાત રહેશે. હાલમાં સરકારે શહેરોમાં હેલમેટને મરજિયાત કરી દેતાં ગામડામાં તો કોઈ જરૂરિયાત જ નહીં રહે એવો માહોલ સર્જાશે. આમ પણ મેગાસીટીમાં જ આ કાયદાનો અમલ થતો હતો.