સસ્તા કોલીંગના દિવસો હવે ગયા, જાણો 6 ડિસેમ્બરથી જિઓના પ્લાનમાં થશે કેટલા ટકાનો વધારો

હવે પછી સસ્તા કોલીંગનો જમાનો વિદાય લઈ રહ્યો છે. એરટેલ અને વોડાફોન-આઇડિયા પછી હવે મુકેશ અંબાણીની રિલાયન્સ જિઓએ પણ મોબાઇલ ટેરીફ વધારવાની જાહેરાત કરી છે. કંપનીનું કહેવું છે કે 6 ડિસેમ્બરથી મોબાઇલ ટેરીફમાં 40 ટકાનો વધારો થશે. કંપનીએ રવિવારે જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું છે કે, “ઓલ ઇન વન યોજના હેઠળ મોબાઇલ સર્વિસ રેટમાં વધારો કરવામાં આવશે, જેમાં ગ્રાહકોને 300 ટકા સુધીનો લાભ મળશે.”

કંપનીએ નિવેદનમાં કહ્યું છે કે, ‘જિઓ ટૂંક સમયમાં ઓલ ઇન વન પ્લાન લાવશે, જેમાં ગ્રાહકોને અમર્યાદિત વોઇસ અને ડેટા મળશે. આ યોજનાઓ હેઠળ  ગ્રાહકો અન્ય મોબાઇલ નેટવર્ક પર પણ સરળતાથી કોલ્સ કરી શકશે. જોકે નવી યોજનાઓ 40 ટકા વધુ ખર્ચાળ હશે. પરંતુ ‘કસ્ટમર ફર્સ્ટ’ ના વાયદા પ્રમાણે ગ્રાહકોને 300 ટકા વધુ લાભ આપવામાં આવશે.

રિલાયન્સ જિઓએ એમ પણ કહ્યું છે કે તે ભારતીય ટેલિકોમ ઉદ્યોગમાં સ્થિરતા જાળવવા તમામ જરૂરી પગલાં લેશે. કંપનીએ પોતાના નિવેદનમાં વધુમાં જણાવ્યું છે કે, “રિલાયન્સ જિયો તેના ગ્રાહકોના હિતોની સંભાળ રાખવા ઉપરાંત ભારતીય ટેલિકોમ ઉદ્યોગને જાળવવા રાખવા જરૂરી પગલાં પણ લેશે.”

કંપનીએ વધુમાં કહ્યું કે, ‘જિયો ટેલિકોમ ટેરીફમાં સુધારો કરવાની પ્રક્રિયા પર સરકાર સાથે સલાહ લેવાનું ચાલુ રાખશે. આમાં બધા સ્ટેકહોલ્ડર્સની જરૂર રહેશે. રિલાયન્સ જિઓનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારતી એરટેલ અને વોડાફોન-આઇડિયાએ રવિવારે જ ટેરીફ રેટમાં વધારો કરવાની જાહેરાત કરી છે. આ કંપનીઓએ કહ્યું કે ત્રીજી ડિસેમ્બરથી પ્રિપેઇડ કોલ્સ અને ડેટામાં 40 ટકાનો વધારો કરવામાં આવશે.