આ ગુજરાતી યુવા કરશે ICCમાં ભારતીય ક્રિકેટ બોર્ડનું પ્રતિનિધિત્વ

બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ની ચીફ એક્ઝિક્યુટિવ કમિટી (સીઈસી)ની ભવિષ્યની બેઠકોમાં ભારતીય ક્રિકેટ બોર્ડનું પ્રતિનિધિત્વ કરશે. રવિવારે યોજાયેલી બીસીસીઆઈની વાર્ષિક સભા(એજીએમ)માં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જય શાહ 23 ઓક્ટોબરના રોજ સેક્રેટરી બન્યા, સાથે ગાંગુલી બીસીસીઆઈ પ્રમુખ બન્યા.

જય શાહને બીસીસીઆઈની 88મી વાર્ષિક સામાન્ય સભા દરમિયાન આઇસીસીની બેઠક માટે બોર્ડના પ્રતિનિધિત્વ માટે ચૂંટી કાઢવામાં આવ્યા હતા.

બીસીસીઆઈના ઉચ્ચ અધિકારીએ પીટીઆઈને કહ્યું, “જ્યારે પણ કોઈ બેઠક થશે ત્યારે જય શાહ તેમાં બોર્ડનું પ્રતિનિધિત્વ કરશે.” આઈસીસીની સીઈસીની આગામી બેઠકની તારીખ અને સ્થળ નક્કી થવાનું બાકી છે. જ્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત સંચાલક સમિતિ (સીઓએ) દ્વારા બોર્ડનું વહીવટી કાર્ય સંચાલિત કરવામાં આવતું હતું ત્યારે બીસીસીઆઈના ચીફ એક્ઝિક્યુટિવ રાહુલ જોહરી બોર્ડના પ્રતિનિધિ હતા. જય શાહ ગૃહ પ્રધાન અમિત શાહના પુત્ર છે.