અમદાવાદમાં પેટ્રોલ કરતાં ડુંગળી મોંઘી

અમદાવાદમાં હાલમાં છૂટક બજારમાં 80થી 100 રૂપિયે કિલોના ભાવે ડુંગળી વેચાઇ રહી છે. નવાઇની વાત એ છેકે ગત વર્ષે આ સમયગાળામાં છૂટક બજારમાં 15થી 20 રૂપિયે કિલોએ ડુંગળી વેચાઇ હતી. જ્યારે આ વર્ષે તો પેટ્રોલ કરતા પણ મોંઘી સાબિત થયેલી ડુંગળી ગરીબ અને મધ્યમવર્ગની આંખોમાં વગર ખાદ્યે આંસુ લાવી રહી છે.ડુંગળી ખાવી એ આવનારા ત્રણ માસ સુધી એક સ્વપ્ન સમાન બની રહેશે તેવી સ્થિતિ સર્જાઇ ગઇ છે. અમદાવાદમાં એક લિટર પેટ્રોલનો ભાવ 72 રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે. જ્યારે ડુંગળીનો કિલોએ ભાવ 100 રૂપિયે પહોંચી ગયો છે.

અચરજની વાત તો એ છે કે અસહ્ય ભાવ વધારો છતાંય પાક નુકસાનીના બોજ હેઠળ દબાયેલા ખેડૂતોને ભાવ વધારાનો લાભ મળતો નથી. વેપારીઓ તકનો ભરપુર લાભ ઉઠાવી રહ્યા છે. સામાન્ય નાગરીકો પિસાઇ રહ્યા છે.ત્યારે સરકાર અપુરતા પ્રયાસો વચ્ચે માત્ર તમાશો જોવા સિવાય કંઇ કરતી નથી. આ સ્થિતિ ખેડૂતોની અવદશા અને પ્રજાની લાચારી અને સરકારની નિષ્ફળતા દર્શાવી રહી છે.અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં હાલમાં ડુંગળી 70 થી માંડીને 100 રૂપિયે કિલોના છૂટક ભાવમાં વેચાઇ રહી છે. જેની આડ-અસર સમાજમાં વર્તાવા લાગી છે.

ગરીબ-મધ્યમવર્ગના ઘરોમાં હવે ડુંગળી જોવા મળતી નથી. ઉચ્ચ મધ્યમવર્ગ પણ વિચારીને ડુંગળી ખાઇ રહ્યો છે. જ્યારે ભોજનની એક થાળીનું ૧૦૦થી માંડીને ૫૦૦ રૂપિયા સુધીનું બિલ વસુલી લેતી હોટલ-રેસ્ટોરન્ટોમાં પણ ગ્રાહકોને ડુંગળી ને બદલે મૂળા પિરસાઇ રહ્યા છે.જેને લઇને ડુંગળી ખાવાના શોખીનો નિરાશ થયા છે.

એક સમયે ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળી હાલમાં પેટ્રોલ, ડીઝલ , સફરજન કરતા પણ મોંઘી પુરવાર થઇ છે. ખાસ કરીને મરચું-રોટલો અને ડુંગળી ખાઇને મજૂરીએ જતા મજૂર વર્ગની થાળીમાંથી ડુંગળી ગાયબ થઇ જતા તેઓનો જમવાનો સ્વાદ ફિક્કો પડી ગયો છે.