ડેવિડ વોર્નરે રચ્યો ઈતિહાસ, ડે-નાઈટ ટેસ્ટમાં ત્રેવડી સદી ફટકારનાર બીજો બેટ્સમેન બન્યો

એશિઝ સિરીઝની દસ ઇનિંગ્સમાં માત્ર 95 રન બનાવનાર ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ડેવિડ વોર્નરે શાનદાર વાપસી કરી છે. તેણે પાકિસ્તાન સામે એડિલેડ ટેસ્ટ મેચમાં ત્રેવડી-સદી ફટકારી છે. શ્રેણીની બીજી ટેસ્ટના બીજા દિવસે, 33 વર્ષીય વોર્નરે મોહમ્મદ અબ્બાસની બોલમાં ચોગ્ગો મારી ત્રીજી સદી ફટકારી હતી. તેણે 389 બોલમાં પોતાની ઇનિંગ્સમાં 37 ચોગ્ગાની મદદથી અણનમ 335 રન બનાવ્યા. તે લગભગ નવ કલાક સુધી ક્રીઝ પર રહ્યો હતો.

ડેવિડ વોર્નર ડે-નાઈટ ટેસ્ટ મેચમાં ત્રેવડી સદી ફટકારનાર બીજો બેટ્સમેન બન્યો છે. પાકિસ્તાનના અઝહર અલીએ ડે-નાઇટ ટેસ્ટમાં પ્રથમ વખત સદી ફટકારી હતી. અઝહર અલીએ 13 ઓક્ટોબર 2016ના રોજ વેસ્ટ ઇન્ડીઝ સામે અણનમ 302 રન બનાવ્યા હતા. આ ટેસ્ટ ક્રિકેટમાં વોર્નરનો સર્વોચ્ચ સ્કોર છે. આ પહેલા, તેનો સર્વોચ્ચ સ્કોર 253 રન હતો, જે તેણે ન્યૂઝીલેન્ડ સામે 2015માં પર્થમાં રમાયેલી ટેસ્ટમાં બનાવ્યો હતો.

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વેસ્ટ ઇન્ડીઝના બ્રાયન લારાનો છે, જેણે 2004માં સેન્ટ જ્હોન્સ ખાતે ઇંગ્લેન્ડ સામે અણનમ 400 રન બનાવ્યા હતા.