જામનગરમાં ભૂ-માફીયાઓ વિરુદ્વ લડતી નિશા ગોંડલીયા પર ભર બપોરે ફાયરીંગ

ગુજરાતમાં ભૂ-માફિયાઓ બેફામ બની ગયા છે. કાયદો વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી ઘટના આજે જામનગરમાં બની હતી. જામનગરના કુખ્યાત ભૂ-માફીયા જયેશ પટેલ વિરૃદ્ધ પોતાની હત્યાનો પ્રયાસ કરાવવા અંગે બે મહિના પહેલા પોલીસમાં ફરીયાદ કરનાર નિશા ગુલાબદાસ ગોંડલીયા પર આજે ભરબપોરે પોતાની કારમાં જામનગરથી ખંભાળીયા તરફ જતાં હતાં ત્યારે તેમના પર અન્ય કારમાં આવેલા શખ્સો પૈકીના એક શખ્સે રીવોલ્વરમાંથી બે રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું.

નિશા ગોંડલીયા બે મહિના પહેલાં વાલ્કવેશ્વરી નગરીમાંથી જતાં હતાં ત્યારે બાઈક પર આવેલા બે શખ્સોએ ફાયરીંગ કરવાનો પ્રયાસ કરવાની ફરીયાદ પોલીસમાં નોંધાવી હતી. તે ઉપરાંત નિશાએ પોતાના બનેવીના મોબાઈલમાંથી કરોડો રૃપિયાના બિટકોઈન જયેશ પટેલે પડાવી લીધાની પણ રાજકોટ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. તે પછી પખવાડીયાએ પૂર્વે નિશાએ જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી પોતાની જાન પર ખતરો હોવાનું જણાવ્યું હતું. તદ્દ ઉપરાંત નિશાએ સીઆઈડી ક્રાઈમ ને પણ પત્ર પાઠવી પોતાની હત્યા જયેશ પટેલ કરાવી નાખશે તેવી આશંકા વ્યક્ત કરી હતી.

આજે સવારે મોટરમાં ખંભાળીયા તરફ જવા રવાના થયેલા નિશા ગોંડલીયા જ્યારે આરાધના ધામ નજીક પહોંચ્યા ત્યારે તેમના પર ફાયરીંગ કરી આરોપીઓ નાસી છુટયા હતાં. ઈજાગ્રસ્ત યુવતીને ખંભાળીયા દવાખાને ખસેડવાની તજવીજ કરવામાં આવી હતી. અને બનાવના સ્થળે પોલીસ કાફલો ધસી ગયો હતો.